ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલી લોહિયાળ જંગ હજુ કેટલા દિવસ ચાલશે તે અંગે કોઈ સ્પષ્ટપણે કહી શકે તેમ નથી. ઈઝરાયેલની સરકાર હમાસના કબજામાં રહેલા તેના નાગરિકોને મુક્ત કરાવવા માટે હવે જમીન માર્ગે પણ ગાઝામાં ઘુસવાની તૈયારીઓ કરી રહી છે. ત્યારે આ યુધ્ધ હજુ લાંબુ ચાલશે તેવું માનવામાં આવી રહ્યું છે. જો કે આ દરમિયાન હમાસના મિત્ર દેશ ઈરાને એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. ઈરાનના વિદેશ મંત્રાલયે દાવો કર્યો છે કે જો ઈઝરાયેલ ગાઝા પટ્ટી પર હવાઈ હુમલા બંધ કરી દેશે તો હમાશ અપહરણ કરવામાં આવેલા તમામ 200 ઈઝરાયેલી નાગરિતોને છોડવા માટે તૈયાર છે.
ઈરાને યુધ્ધમાં ઝંપલાવવાની આપી ધમકી
ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા નાસિર કનાનીએ દાવો કરતા કહ્યું કે ઈઝરાયેલના નાગરિકોને છોડવા માટે હમાસ તૈયાર છે. જો કે તેમણે સામે શરત રાખી હતી કે આ માટે પહેલા તો ઈઝરાયેલની સેનાએ હવાઈ હુમલા બંધ કરવા પડશે. તેમણે વધુમાં તેમ પણ કહ્યું હતું કે હમાસને આ યુધ્ધ આગળ વધારવામાં કોઈ મુશ્કેલી નથી, તેમની પાસે ઈઝરાયેલનો સામનો કરવાની સંપુર્ણ ક્ષમતા છે. બીજી તરફ ઈરાને ઈઝરાયેલને ચેતવણી આપી હતી કે આગામી દિવસોમાં તેમના દ્વારા ગાઝામાં સતત હિંસક તબાહી ચાલું રહી તો ઈરાન પણ હમાસના સમર્થનમાં આ યુધ્ધમાં કુદી પડશે.