રશિયા અને યુક્રેન વચ્ચે હાલ લોહિયાળ યુધ્ધ ચાલી રહ્યું છે અને તેના કારણે દુનિયાભરમાં મોંઘવારી વધી છે, હવે આ દિશામાં અમેરિકા અને ઈરાન પણ આગળ વધી રહેલા જોવા મળી રહ્યા છે. અમેરિકાના બાઈડન વહીવટીતંત્રએ મોટી સંખ્યામાં સૈનિકા, એફ-35 ફાઈટર વિમાનો અને ઘાતક મિસાઈલોથી સુસજ્જ યુધ્ધ જહાજો ફારસની ખાડીમાં તૈનાત કર્યા છે. અમેરિકા અને ઈરાન વચ્ચે વિવિધ કારણોથી તંગદીલી વધી રહી છે. જેમાંનું એક કારણ ઈરાનનો પરમાણું કાર્યક્રમ છે. અમેરિકાએ ઈરાન પર આર્થિક પ્રતિબંધો લાદ્યા છે. અમેરિકા હવે ઈરાનને પરમાણું હથિયારો વિકસાવતા રોકવા માટે યુધ્ધ જહાજો તૈનાત કરવા જઈ રહ્યું છે.
શા માટે તંગદીલી વધી?
અમેરિકા અને તેના મિત્ર દેશ ઈઝરાયેલને આશંકા છે કે ઈરાન પરમાણું બોંબ બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. તે ઉપરાંત ઈરાન અવારનવાર અમેરિકાના મિત્ર દેશોના વેપારી જહાજો જપ્ત કરી રહ્યું છે. આ કારણે અમેરિકા અને તેના મિત્ર દેશો ચિંતામાં છે. હવે સંકટના હલ માટે અમેરિકાએ હજારો સૈનિકો અને યુધ્ધ જહાજ હોર્મુઝની ખાડીમાં મોકલ્યું છે. તે ઉપરાંત અમેરિકાએ તેના સ્ટિલ્થ ફાઈટર જેટ એફ-35 અને અન્ય ફાઈટર જેટ પણ રવાના કર્યા છે. ગયા મહિને ઈરાને ઓમાનની ખાડીમાં અમેરિકાના કોમર્શિયલ ઓઈલ ટેન્કર જહાજ રિચમંડ વોયેઝર પર હુમલો કર્યો હતો. ખુબ જ સાંકડી એવી હોર્મુઝની ખાડીમાંથી દુનિયાનું 20 ટકા ઓઈલ પસાર થાય છે. આ ખાડી સ્ટ્રેટેજીક રીતે ખૂબ જ મહત્વની છે જેથી ઈરાન અહીં સતત શક્તિ પ્રદર્શન કરી રહ્યું છે.