અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. સોમવારે યોજાનારા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય રીતે ઉજવણી થાય તે માટે અયોધ્યાને નવવધૂની જેમ સજાવવામાં આવી રહી છે. દેશ અને વિદેશની જાણીતી હસ્તીઓ અયોધ્યા પહોંચી રહી છે. આ દરમિયાન બાબર મસ્જીદના પૂર્વ પક્ષકાર રહેલા ઈકબાલ અન્સારીએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે અયોધ્યામાં તમામનું સ્વાગત કરતા કહ્યું કે અયોધ્યા ધર્મની નગરી છે અને અહીં તમામ લોકોનું સ્વાગત છે. તેમણે કહ્યું કે બધા જ લોકો ભગવાનના દર્શન કરે અને પ્રભુ શ્રી રામે બતાવેલા માર્ગ પર ચાલે....
'આપણી વચ્ચે સદ્ભાવના હોવી જોઈએ'
મીડિયા સાથે વાત કરતા ઈકબાલ અંસારીએ કહ્યું, “અયોધ્યા ધર્મની નગરી છે. આવતીકાલે અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ યોજાશે. જે લોકો અયોધ્યા આવ્યા છે તેઓનું સ્વાગત છે. અમે ઈચ્છીએ છીએ કે લોકો ભગવાન રામની પૂજા કરે અને તેમના બતાવેલા માર્ગ પર ચાલે. દરેક ધર્મ માનવતાનું પ્રતિક છે. દરેક ધર્મ શીખવે છે કે એકબીજામાં દુશ્મનાવટ ન હોવી જોઈએ. આપણી વચ્ચે સદ્ભાવના હોવી જોઈએ.”