થોડા સમય પહેલા જૂનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટ્યું હતું. જેને લઈ સરકારની અનેક ટીકાઓ થઈ હતી. પરીક્ષા રદ થવાને કારણે ઉમેદવારોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આક્રોશ વધતા સરકારે 100 દિવસમાં ફરીથી પરીક્ષા લેવાની જાહેરાત કરી દીધી હતી. ત્યારે સરકારે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના ઈન્ચાર્જ અધ્યક્ષ તરીકે આઈપીએસ હસમુખ પટેલની વરણી કરવામાં આવી છે. જેને લઈ જૂનીયર ક્લાર્ક-તલાટીની પરીક્ષા હસમુખ પટેલની આગેવાનીમાં લેવાશે. ઈન્ચાર્જ અધ્યક્ષ સંદિપ કુમાર પાસેથી ચાર્જ પાછો લેવાયો છે. મળતી માહિતી અનુસાર આ પરીક્ષા એપ્રિલ મહિનામાં લેવાઈ શકે છે. તે ઉપરાંત તલાટીની પરીક્ષા પણ એપ્રિલ મહિનામાં યોજાઈ શકે છે તેવી સંભાવના છે.
પ્રામાણિક છબી ધરાવતા હસમુખ પટેલને સોંપાઈ જવાબદારી
ગુજરાત સરકારે આઈપીએસ હસમુખ પટેલને મોટી જવાબદારી સોંપી છે. હસમુખ પટેલને પંચાયત સેવા પસંદગી મંડળની જવાબદારી સોંપવામાં આવી છે. તેમને ઈન્ચાર્જ અધ્યક્ષ બનાવાયા છે. હસમુખ પટેલ 1993ની બેચના આઈપીએસ અધિકારી છે તે ઉપરાંત હસમુખ પટેલ પ્રામાણિક છબી ધરાવે છે.
તેમની દેખરેખ હેઠળ યોજાશે જૂનિયર ક્લાર્કનું પેપર
તેમજ તેમની પાસે અનુભવ પણ છે. તેમણે લોકરક્ષક ભરતીનું પારદર્શક રીતે આયોજન કર્યું હતું. તે ઉપરાંત ઉમેદવારોને થતી નાની મોટી સમસ્યાઓને શેર કરતા રહે છે. વિદ્યાર્થીઓના સતત સંપર્કમાં રહે છે તે ઉપરાંત પરીક્ષાનું આયોજન કરવામાં તેમની માસ્ટરી છે. હાલ તેઓ પોલીસ આવાસ નિગમના અધ્યક્ષ તરીકે જવાબદારી નિભાવી રહ્યા છે. આગામી દિવસોમાં યોજાનારી જૂનિયર ક્લાર્કની પરીક્ષા તેમની દેખરેખ હેઠળ યોજાવાની છે.