અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગઈકાલે આઈપીએલની ફાઈનલ મેચ રમાવાની હતી. ગુજરાત ટાઈટન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે કાંટાની ટક્કર થવાની હતી પરંતુ અચાનક આવેલા વરસાદને કારણે મેચ યોજાઈ ન હતી. મેચ કેન્સલ થતાં ક્રિકેટ ચાહકોમાં નિરાશા વ્યાપી ગઈ હતી. ફાઈનલ મેચને જોવા હજારો રુપિયાની ટિકિટ દર્શકોએ લીધી હતી. પરંતુ મેચ કેન્સલ થતાં લાગતું હતું કે ટિકિટના પૈસા વેડફાઈ ગયા. પરંતુ નવી ટિકિટ લીધા વગર પણ દર્શકો આજે મેચ જોવા જઈ શકે છે. ટિકિટ સાથે સ્ટેડિયમમાં એન્ટ્રી મળી શકે છે પરંતુ અનેક બાબતોનું ધ્યાન રાખવું પડશે. મહત્વનું છે કે આજે પણ વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે.
ટ્વિટર હેન્ડલ પર આપવામાં આવી જાણકારી!
ટિકિટને લઈ દર્શકોમાં અસમંજસની સ્થિતિનું નિર્માણ થયું હતું. કઈ ટિકિટ એન્ટ્રી માટે ચાલશે તે અંગે આઈપીએલના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પરથી આ અંગે પોસ્ટ કરવામાં આવી છે. કઈ ટિકિટ માન્ય રહેશે અને જે દર્શકોએ ટિકિટ સાચવીને રાખી છે અને તેની સ્થિતિ કેવી છે તે અંગે માહિતી આપવામાં આવી છે. ટિકિટને લઈ કેટલાક નિયમો સ્પષ્ટ રજૂ કરવામાં આવ્યા છે. મહત્વનું છે કે જે દર્શકોએ ટિકિટ નથી સાચવી તે મેચ જોવા જઈ શકશે નહીં.
ફોટો શેર કરી આપી માહિતી!
જે ફોટો શેર કરવામાં આવ્યો છે તેમાં દર્શાવામાં આવ્યું છે કે કઈ ટિકિટ માન્ય રાખવામાં આવશે. જે ટિકિટ દર્શકોએ ખરીદી હોય અને તેમની ફિઝિકલ ટિકિટની નીચે આપેલો કોડ તસવીરમાં દર્શાવ્યા પ્રમાણે સંપૂર્ણ દેખાતો હોય પરંતુ ટિકિટ ફોટેલી હોય તો પણ તેમને એન્ટ્રી મળી શકશે. એટલે કે કોડ સંપૂર્ણ દેખાતો હોય તો ટિકિટની વિગતોના આધારે સ્ટેડિયમમાં પ્રવેશ મેળવી શકશે. આજે પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે આજે મેચ રમાશે છે કે નહીં તે પ્રશ્ન છે?