ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની આગામી સીઝન આતુરતાથી રાહ જોઈ રહેલા ક્રિકેટ રસિયાઓની આતુરતાનો અંત આવ્યો છે. IPLની સીઝનને લઈને મોટી અપડેટ સામે આવી છે. મીડિયા રિપોર્ટ મુજબ IPL 2024નો શુભારંભ 22 માર્ચથી થઈ શકે છે, અને ફાઈનલ મુકાબલો 26 મેના રોજ યોજાશે. એટલે કે મહિલા પ્રીમિયર લિગ (WPL)ના સમાપનના ઠીક 5 દિવસ બાદ IPL 2024 શરૂ થઈ શકે છે.
WPLના શેડ્યૂલની થશે જાહેરાત
ઉલ્લેખનિય છે કે મહિલા પ્રીમિયર લિગ (WPL)ની બીજી સીઝન 22 ફેબ્રુઆરીથી 17 માર્ચ સુધી યોજાય તેવી સંભાવના છે, મહિલા પ્રીમિયર લિગ (WPL)ની મેચ બેંગલુરૂ અને દિલ્હીમા આયોજીત કરાશે. ભારતીય ક્રિકેટ કંન્ટ્રોલ બોર્ડ (BCCI) તેના તમામ સ્ટેક હોલ્ડર્સ સાથે આ અંગે વાત કરી ચુકી છે. એક-બે દિવસમાં જ WPLના શેડ્યૂલનું સત્તાવાર રીતે જાહેરાત થઈ શકે છે.
લોકસભા ચૂંટણીઓ વચ્ચે યોજાશે IPL
IPL 2024નું સત્તાવાર શેડ્યૂલ લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત બાદ થાય તેવી સંભાવના છે. 22 માર્ચથી 26 મે દરમિયાન ટૂર્નામેન્ટ આયોજીત કરવાનું BCCI વિચારી રહ્યું છે. જો કે સમગ્ર કાર્યક્રમની પુષ્ટી લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત બાદ જ થઈ શકે છે. એક વાત તો સ્પષ્ટ છે કે BCCI ભારતમાં જ તમામ મેચો યોજાય તે અંગે આશ્વસ્ત છે.