ભારતને યોગ ગુરૂ કહેવામાં આવે છે. શારીરિક અને માનસિક આરોગ્ય માટે યોગ ખુબ જ જરૂરી છે. યોગનો અભ્યાસ શરીરને રોગમુક્ત રાખે છે અને મનને શાંતિ આપે છે. ભારતમાં ઋષિમુનીઓના સમયથી જ યોગાભ્યાસ થતો આવ્યો છે. યોગ ભારતીય સંસ્કૃતિ સાથે જોડાયેલો છે, જેનો પ્રચાર આજે વિદેશમાં પણ જોરશોરથી થઈ રહ્યો છે. વિદેશોમાં યોગના પ્રચારનો શ્રેય યોગ ગુરૂઓને જાય છે. ભારતીય યોગગુરૂએ વિદેશી જમીન પર યોગની ઉપયોગિતા અને મહત્વ અંગે લોકોને જાગૃત કર્યા. આજે સમગ્ર દુનિયામાં લોકોએ યોગને તેમના જીવનમાં સામેલ કરી દીધો છે. લોકો વિવિધ યોગાસનોની પ્રેક્ટિસથી સ્વસ્થ મન અને તનની પ્રાપ્તીનો અભ્યાસ કરી રહ્યા છે. યોગની આ ઉપયોગિતાથી તમામ લોકોને જાગરૂક કરવા માટે દર વર્ષે આંતરરાષ્ટ્રિય સ્તર પર યોગ દિવસ મનાવવામાં આવે છે. જો કે યોગ દિવસ મનાવવાની શરૂઆત કોણે, ક્યારે, કરી તે જાણવું ખુબ જ રસપ્રદ છે. આવો આજે આપણે જાણીએ કે યોગ દિવસના ઈતિહાસ, મહત્વ અને આ વર્ષની થીમ અંગે.....
સૌપ્રથમ યોગ દિવસ ક્યારે મનાવાયો?
કોરોના કાળ બાદ યોગનું મહત્વ લોકોને સમજાયું છે. સંક્રમણથી લડવા માટે રોગ પ્રતિકારક ક્ષમતા વધારવાના હેતુંથી લોકો યોગ અભ્યાસ કરવા લાગ્યા, પરંતું 21 જૂનના રોજ 2015થી યોગ મનાવવાની શરૂઆત થઈ હતી. આ વર્ષથી સમગ્ર વિશ્વમાં યોગ દિવસ મનાવવાનો શુભારંભ થયો હતો.
યોગ દિવસનો ઈતિહાસ
ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UN)માં દુનિયાના તમામ દેશોને યોગ દિવસ મનાવવાનું આહવાન કર્યું હતું. પ્રધાનમંત્રી મોદીના આ પ્રસ્તાવને સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ સ્વીકારી લીધો અને માત્ર ત્રણ જ મહિનાની અંદર આંતરરાષ્ટ્રિય યોગ દિવસ આયોજીત કરવાની જાહેરાત કરી દીધી છે. ત્યાર બાદ આગામી વર્ષ 2015માં સૌપ્રથમ વખત સમગ્ર વિશ્વએ યોગ દિવસ મનાવ્યો હતો.
શા માટે 21 જૂનના રોજ યોગ દિવસ?
યોગ દિવસને મનાવવા માટે 21 જૂનનો દિવસ જ નક્કી કરવામાં આવ્યો છે. 21 જૂનના રોજ જ યોગ દિવસ શા માટે મનાવવામાં આવે છે તે સવાલ થાય તે સ્વાભાવિક છે. તેનું કારણ એ છે કે આ તારીખે જ ઉત્તર ગોળાર્ધનો સૌથી લાંબો દિવસ હોય છે. જેને ગ્રીષ્મ સંક્રાતિ કહેવામાં આવે છે. ભારતીય પરંપરા પ્રમાણે ગ્રીષ્મ સંક્રાંતિ બાદ સુર્ય દક્ષિણાયનમાં પ્રવેશ કરે છે. સુર્ય દક્ષિણાયનનો સમય આધ્યાત્મિક સિદ્ધિઓ પ્રાપ્ત કરવા માટે ખુબ જ અસરકારક છે. આ જ કારણે દરેક વર્ષે 21 જૂનના રોજ આંતરરાષ્ટ્રિય યોગ દિવસ મનાવવામાં આવે છે.
આંતરરાષ્ટ્રિય યોગ દિવસ 2023ની થીમ
યોગ દિવસ 2023ની થીમ ' વસુધૈવ કુટુંબકમ માટે યોગ' (Yoga for Vasudhaiva Kutumbakam) છે. વસુધૈવ કુટુંબકમનો અર્થ થાય છે સમગ્ર ધરતી એક પરિવાર છે. આ થીમનું તાત્પર્ય એ છે કે ધરતી પર તમામ લોકોના આરોગ્ય માટે યોગ ઉપયોગી છે.