દિવસેને દિવસે મોંઘવારી વધતી જઈ રહી છે. પેટ્રોલ-ડિઝલ તેમજ રાંધણ ગેસના ભાવ આસમાને પહોંચી ગયા છે. દૂધની કિંમતોમાં પણ ભાવ વધારો કરી દેવામાં આવ્યો છે. ત્યારે શાકભાજીના ભાવમાં પણ વધારો નોંધાઈ રહ્યો છે. શાકભાજીના ભાવમાં તોતિંગ વધારો જોવા મળી રહ્યો છે. શાકભાજી ઉપરાંત ખાદ્યતેલના ભાવમાં પણ વધારો થયો છે. માત્ર એક અઠવાડિયાની અંદર શાકભાજીના કિંમતોમાં વધારો જોવા મળી રહ્યો છે.
શાકભાજીના ભાવમાં તોતિંગ વધારો
દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે. તહેવારને લઈ લોકો અનેક પ્લાનિંગ કરતા હોય છે ત્યારે આ વખતે મધ્યમ પરિવાર માટે દિવાળીની ઉજવણી મોંઘી પડી શકે છે. એક બાદ એક ચીજ વસ્તુની કિંમતમાં ભારે વધારો થઈ રહ્યો છે. ખાદ્યતેલ, દૂધ તેમજ શાકભાજીના ભાવ સતત વધી રહ્યા છે. સપ્તાહ પહેલા ટીંડોરા રૂા.40 થી 70ના કિલોના ભાવે મળતા હતા તે અત્યારે રૂા.80 થી 120ના ભાવે મળી રહ્યા છે. તુરીયાની કિંમતમાં પણ વધારો થયો છે. તુરીયા રૂા.60ના કીલોના ભાવે મળતા હતા તે અત્યારે રૂા.80, દૂધી રૂા.30ની કિલો વાળી હાલ 80 રૂપિયે મળી રહી છે. ટામેટા પણ 40 થી 60 રુ. વચ્ચે વેચાઈ રહ્યા છે. ભીંડાની કિંમતમાં પણ વધારો થઈ ગયો છે. દરેક શાકભાજીના ભાવ વધતા થાળીમાંથી શાકભાજી ગાયહ થઈ રહી છે.
વધતા ભાવને કારણે ખોરવાતું ગૃહિણીનું બજેટ
વધતી મોંઘવારીને કારણે મધ્યમવર્ગીય પરિવારનું બજેટ ખોરવાઈ જતું હોય છે. મોંઘવારીને કારણે સામાન્ય માણસે લાફો મારી ગાલ લાલ રાખવા પડે છે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. દિવાળી ટાંણે મહેમાનોની અવર-જવર વધતી હોય છે તેવા સમયે શાકભાજી તેમજ દૂધની કિંમતમાં ભાવ વધારો થતા ગૃહિણીની ચિંતામાં વધારો થયો છે.