આગામી એશિયા કપ પહેલા ભારતીય ટીમ આયર્લેન્ડના પ્રવાસે જવાની છે, જ્યાં આયર્લેન્ડ અને ભારત વચ્ચે 3 ટી20 મેચનો મુકાબલો થશે એટલે કે 3 મેચની ટી20 સીરીઝ ત્યાં રમાવાની છે, અને આ માટે આજે BCCIએ ભારતીય ટીમની જાહેરાત કરી છે, જેમાં મોટાભાગના સિનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે, ઉપરાંત નવા યંગ ખેલાડીઓને તક આપવામાં આવી છે.
જસપ્રિત બુમરાહને મળી કમાન, સિનિયર ખેલાડીઓને આરામ
આયર્લેન્ડ સામેની આ સીરીઝમાં ભારતીય ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ પરત ફર્યા છે અને બુમરાહને ટીમની કમાન સોંપવામાં આવી છે, એટલે કે આયર્લેન્ડ સામેની આ સીરીઝમાં જસપ્રિત બુમરાહ કેપ્ટન રહેશે, જ્યારે રોહિત શર્મા, વિરાટ કોહલી અને હાર્દિક પંડ્યા જેવા સિનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે, જો કે ઉલ્લેખનીય છે કે આ સીરીઝ પછી એશિયા કપ શરુ થવાનો છે એટલે મોટાભાગના સિનિયર ખેલાડીઓને આ સીરીઝમાં આરામ આપવામાં આવ્યો છે અને નવા ખેલાડીઓ જેમ કે ઋતુરાજ ગાયકવાડ, યશસ્વી જયસ્વાલ, તિલક વર્મા, રિંકુ સિંહ, જીતેશ શર્મા , શિવમ દુબે, શાહબાઝ અહેમદ, રવિ બિશ્નોઈ, પ્રસિદ્ધ ક્રિષ્ના, મુકેશ કુમાર અને આવેશ ખાન જેવા ખેલાડીઓને આ સીરીઝમાં રમવાની તક આપવામાં આવી છે.
18 ઓગસ્ટથી શરુ થશે આ સીરીઝ
આયર્લેન્ડ સામેની આ ટી20 સીરીઝ આગામી 18 ઓગસ્ટથી શરુ થવાની છે, જેમાં ત્રણેય મેચ આયર્લેન્ડના મલાહાઈડ ખાતે રમાવાની છે. આ સીરીઝની પહેલી મેચ 18 ઓગસ્ટે, બીજી મેચ 20 ઓગસ્ટે અને ત્રીજી મેચ 23 ઓગસ્ટના રોજ રમાશે. ભારતીય ટીમ જસપ્રિત બુમરાહની આગેવાનીમાં આ સીરીઝ પર કબજો કરવા સજ્જ હશે, કેમ કે આ સીરીઝમાં બુમરાહને મળેલી કેપ્ટનશીપ એ આગામી એશિયા કપ અને વર્લ્ડ કપ માટે સારા સંકેત સમાન છે. 10 મહિના બાદ ટીમમાં પરત ફરેલ જસપ્રિત બુમરાહ જો આ સીરીઝમાં સારું પ્રદર્શન કરશે તો તેઓ એશિયા કપ અને વર્લ્ડ કપની ભારતીય ટીમમાં સ્થાન મેળવી શકે છે, જેને લીધે ટીમ વધુ મજબૂત બનશે. છેલ્લા 10 મહિનાથી ઈજાથી પીડાતા જસપ્રિત બુમરાહ માટે આ સીરીઝ ગોલ્ડન ચાન્સ બની શકે છે. આ ઉપરાંત આ સીરીઝમાં અનુભવી ખેલાડીઓ તરીકે સંજુ સેમસન અને અર્શદીપ સિંહનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
આયર્લેન્ડ પ્રવાસ માટે ભારતીય ટીમ
જસપ્રીત બુમરાહ (કેપ્ટન), રુતુરાજ ગાયકવાડ (વાઈસ-કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, તિલક વર્મા, રિંકુ સિંહ, સંજુ સેમસન (વિકેટકીપર), જીતેશ શર્મા (વિકેટકીપર), શિવમ દુબે, વોશિંગ્ટન સુંદર, શાહબાઝ અહેમદ, રવિ બિશ્નોઈ, પ્રસિદ્ધ ક્રિષ્ના, અર્શદીપ સિંહ, મુકેશ કુમાર અને આવેશ ખાન.