અમેરિકામાં છાશવારે ફાયરિંગની ઘટનાઓ બની રહી છે. ફાયરિંગને કારણે અનેક લોકો પોતાનો જીવ ગુમાવે છે. ત્યારે ફરી એક વખત અમેરિકાના કેલિફોર્નિયામાં ગોળીબાર થવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર ચીની નવા વર્ષની ઉજવણી કરવા લોકો એકત્રિત થયા હતા ત્યાં ફાયરિંગ થયું હતું અને આ ઘટનામાં અંદાજીત 10 જેટલા કે તેથી વધારે લોકોના મોત થયા છે.
10 જેટલા લોકોના થયા મોત
છેલ્લા ઘણા સમયથી અમેરિકામાં અંધાધૂધ ફાયરિંગ થઈ હોવાની ઘટનાઓ સામે આવતી હોય છે. થોડા સમય પહેલા એક જ દિવસમાં ફાયરિંગની ત્રણ ઘટનાઓ બની હતી જેમાં અનેક લોકોના મોત થયા હતા. ત્યારે કેલિફોર્નિયામાં એક અંધાધૂધ ફાયરિંગ થયો હોવાનો કિસ્સો સામે આવ્યો છે જેમાં અંદાજીત 10 જેટલા લોકોના મોત થઈ ગયા છે. અંદાજીત 16 જેટલા લોકોને ગોળી વાગી છે.
નવા વર્ષની ઉજવણી દરમિયાન કરાઈ ફાયરિંગ
મળતી માહિતી અનુસાર આ ઘટના કેલિફોર્નિયાના મોન્ટેરી પાર્કમાં બની હતી. શનિવાર રાત્રે આ ઘટના બનતા આ વિસ્તારમાં ભયનો માહોલ વ્યાપી ઉઠ્યો હતો. ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને ઘાયલ થયેલા લોકોને હોસ્પિટલ ખસેડવાની કામગીરી કરી હતી. આ પાર્કમાં ચીનના નવા વર્ષની ઉજવણી કરવા લોકો એકત્ર થયા હતા. ત્યાં આવીને એક વ્યક્તિએ અંધાધૂધ ફાયરિંગ કરી હતી જેમાં 10 જેટલા લોકોના મોત થયા છે જ્યારે 16 જેટલા લોકો ઘાયલ થયા છે.