આજે આપણા રાષ્ટ્રપિતા પરમ પૂજ્ય ગાંધીજી અને આપણા પૂર્વ પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીજીની જન્મ જયંતી છે. બાપુને તો દુનિયા જાણે છે અને દેશ સહિત દુનિયાના લોકો પણ બાપુ બાજુ પ્રેરાયા છે. પણ આજે વાત કરવી છે લાલ બહાદુર શાસ્ત્રીની. દેશના એવા નેતાની વાત કરીએ જેનું યોગદાન અમૂલ્યા છે.
લાલ બહાદુર શાસ્ત્રીજીને પરિજનો નન્હે કહીને બોલાવતા
ઉત્તર પ્રદેશના મુગલસરાયમાં મુંશી શારદા પ્રસાદ શ્રીવાસ્તવ અને રામદુલારી માને ત્યાં 2 ઓક્ટોબર 1904ના એક દીકરાનો જન્મ થયો. નામ રાખવામાં આવ્યું લાલબહાદુર શ્રીવાસ્તવ. પિતા પ્રાથમિક શાળામાં શિક્ષક હતા આથી ત્યાંના લોકોમાં તેમનું બહુ માન. લોકો તેના પિતાને મુંશીજી કહીને જ બોલાવતા હતા. પછી લાલબહાદુર શાસ્ત્રીજીના પિતાએ મહેસૂલ વિભાગમાં ક્લાર્કની નોકરી લઈ લીધી. લાલબહાદુર શાસ્ત્રીજી પરિવારમાં સૌથી નાના હતા. માટે તેમને પ્રેમથી બધા નન્હે કહીને જ બોલાવતા હતા. નન્હે જ્યારે 18 મહિનાના થયા ત્યારે તેમના પરિવારમાં એક દુખદ બનાવ બન્યો. લાલ બહાદુર શાસ્ત્રીજીના પિતાનું નિધન થઈ ગયું હતું. પછી રામદુલારી પોતાના પિતા હજારીલાલને ઘરે રહેવા મિર્ઝાપુર ચાલ્યા ગયા. પણ અફસોસ નાનાની જીવન અવધી પણ લાંબી ન રહી, નાનાનું નિધન થયું તો બાપ વગરના નન્હેની જવાબદારી તેમના માસા રઘુનાથ પ્રસાદે લીધી. માસાએ નન્હેના પરિવારને ખૂબ સહાય કરી.
શ્રીવાસ્તવ અટક હતી તો નામ પાછળ શાસ્ત્રી કેમ લખતા?
નાનાના જ ઘરમાં નન્હેએ પ્રાથમિક શિક્ષા લીધી. પછીની શિક્ષા તેમણે હરિશ્ચંદ્ર હાઈસ્કૂલ અને પછી લાલ બહાદુર શાસ્ત્રીજીએ કાશી વિદ્યાપીઠમાં અભ્યાસ કર્યો. કાશીથી શાસ્ત્રીની ડિગ્રી મેળવીને તેમણે પોતાની અટક પાછળ શ્રીવાસ્તવની જગ્યાએ શાસ્ત્રી લખવાનું શરૂ કર્યું. તેમનું માનવું હતું કે શ્રીવાસ્તવ જાતિસૂચક નામ હતું. જ્યારે શાસ્ત્રી એક ઉપાધી હતી. અને પછી લાલબહાદુરની નામ પાછળ શાસ્ત્રી જ લખાવા અને બોલાવા લાગ્યું. પછીથી તેમની જીવનની યાત્રા ખૂબ આગળ ચાલી. આગળના દિવસોમાં તેમણે મરો નહીં પણ મારો એવો નારો આપ્યો અને આનાથી દેશમાં એક અલગ જહાલવાદી ક્રાંતિ ચાલી. પછી તેમણે જય જવાન જય કિસાનનો નારો આપ્યો. જે આજે પણ દેશના મોઢા પર સાંભળવા મળે છે. 1921માં ગાંધીજીએ અસહયોગનું આંદોલન ચલાવ્યું હતું જેમાં લાલબહાદુર શાસ્ત્રીજીને જેલ પણ થઈ હતી. પછી તેમણે જેલ મુક્ત થઈને રાષ્ટ્રવાદી વિશ્વવિદ્યાલય કાશી વિદ્યાપીઠમાં અભ્યાસ કર્યો અને શાસ્ત્રોમાં વિદ્વાનની ઉપાધી મેળવી. સંસ્કૃતમાં સ્નાતક થઈ શાસ્ત્રીજી રાષ્ટ્રવાદી સંસ્થા સ્વયં સેવક સંઘમાં જોડાયા. અને અહીંથી તેમના જીવનની રાજનીતિની શરૂઆત થઈ.
કોણ હતા લાલ બહાદુર શાસ્ત્રીજીના રાજકીય ગુરુ?
શાસ્ત્રીજી સાચા ગાંધીવાદી નેતા હતા. તેમણે ગાંધીજીથી પ્રેરાઈ સાદાઈમાં જ જીવન ગુજાર્યું. ભારતની સ્વતંત્રતાની ચળવળમાં સક્રિયતાથી તેમની ભાગીદારી રહી. જો કે અંગ્રેજો સામે વિરોધ કરવાના કારણે તેમને જેલમાં પણ રહેવું પડ્યું. તેમના રાજનીતિના ગુરુ રહ્યા પુરુષોત્તમદાસ ટંડન અને પંડીત ગોવિંદ બલ્લભ પંત. જો કે પછીથી નેહરુજી પણ તેમના આદર્શ રહ્યા. 1929માં જ્યારે શાસ્ક્ષીજી ઈલ્હાબાદ રહેતા હતા ત્યારે તેમનો પરિચય નેહરુજી સાથે થયો. પછીથી શાસ્ત્રીજીની નેહરુજી સાથે નીકટતા વધી અને નાની ઉંચાઈવાળા શાસ્ત્રીજી દિવસેને દિવસે વ્યક્તિત્વની દ્રષ્ટિએ વિરાટ બનતા ગયા. આવી જ રીતે તે નેહરુજીના મંત્રીમંડળમાં ગૃહમંત્રી પણ રહ્યા હતા. નેહરુજીની તબીયત જ્યારે ખરાબ થતી ત્યારે તેમને શાસ્ત્રીજીની જ મદદ મળતી હતી. જો કે પછી નેહરૂજીના મૃત્યુ પછી શાસ્ક્ષીજી ભારના પ્રધાનમંત્રી બન્યા હતા.
યુદ્ધ રોકવા તાસ્કંદ ગયા અને...
શાસ્ત્રીજીના સમયમાં ભારત અનેક સમસ્યાઓ સામે લડી રહ્યું હતું માટે તેમનો વડાપ્રધાન તરીકેનો કાર્યકાળ સંઘર્ષમય રહ્યો. શાસ્ત્રીજીએ ખેડૂતો અને જવાનો પર ખૂબ ધ્યાન આપ્યું કારણ કે યુદ્ધનો એ સમય ભારત જોઈ રહ્યું હતું. દેશના સાચા હીરો અત્યારે અને ત્યારે પણ જવાન અને કિસાન જ હતા. શાસ્ત્રીજીએ આર્થિક સમસ્યાઓને સારી રીતે હેન્ડલ ન કરી તેના કારણે તેમને ટિકાનો સામનો પણ ઘણો કરવો પડ્યો હતો. 1965ના પાકિસ્તાન સામેના યુદ્ધમાં ભારતની ખૂબ પ્રશંસા કરવામાં આવી. એક વર્ષ પછી રશિયાના તાસ્કંદમાં પાકિસ્તાનના રાષ્ટ્રપતિ અયૂબ ખાન સાથે યુદ્ધ ન કરવાની સંધી પર હસ્તાક્ષર કરવા ગયા ત્યારે તેમનું નિધન થયું. જો કે નિધન મામલે હજુ પણ ઘણા સવાલો છે. 1966માં શાસ્ત્રીજીને ભારત રત્નથી સન્માનીત કરવામાં આવ્યા. આજે દેશ તેમની સાદગી, ઈમાનદારી અને દેશભક્તિના કારણે યાદ કરે છે. જય હિંદ, જય ભારત.