ભારતીય નૌકાદળે સોમાલિયા નજીક ચાંચિયાઓની ચુંગાલમાં ફસાયેલા એમવી લીલા નોરફોક જહાજમાં સવાર 15 ભારતીય ક્રૂ મેમ્બરને બચાવી લીધા છે. મરીન કમાંડો માર્કોસે (Marine Commando Marcos) સોમાલિયા (Somalia) પાસે અપહરણ કરાયેલ જહાજ (Cargo Ship Hijack) માંથી 15 લોકોને સુરક્ષિત છોડાવ્યા છે. મરીન કમાંડો માર્કોસ INS ચેન્નાઈ યુદ્ધ જહાજ સાથે 15 લોકોના જીવ બચાવવા માટે પહોંચ્યા હતા. લાંબા સમય સુધી ચાલેલા આ ઓપરેશન બાદ એમવી લીલા નોરફોકમાં સવાર 15 ભારતીયોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. નેવી અધિકારીએ આ ઓપરેશન અંગે જણાવ્યું કે અરબી સમુદ્રમાં કાર્યરત ભારતીય યુદ્ધ જહાજોને ચાંચિયાઓ સામે કડક કાર્યવાહી કરવા સૂચનાઓ આપવામાં આવી હતી. ઉલ્લેખનિય છે કે હાઇજેક કરાયેલા જહાજમાં કુલ 21 ક્રૂ મેમ્બર સવાર હતા. દરેકને સફળતાપૂર્વક બચાવી લેવામાં આવ્યા છે.
ચાંચિયાઓ સામે કડક કાર્યવાહી કરવા સૂચના
ભારતીય નૌકાદળની હિંમત અને તાકાતના કારણે આ ઓપરેશનને સફળતાપૂર્વક અંજામ આપ્યો હતો. એક સંરક્ષણ અધિકારીએ જણાવ્યું કે, એમવી લીલા નોરફોક જહાજમાં સવાર ક્રૂ સહિત 15 ભારતીયો સુરક્ષિત છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ભારતીય નૌકાદળના વડા એડમિરલ આર હરિ કુમારે અરબી સમુદ્રમાં કાર્યરત ભારતીય યુદ્ધ જહાજોને ચાંચિયાઓ સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપી છે. આ પ્રદેશમાં વેપારી જહાજો પર હુમલાને રોકવા માટે ભારતીય નૌકાદળના ચાર યુદ્ધ જહાજોને અરબી સમુદ્રમાં તૈનાત કરવામાં આવ્યા છે.
ચાંચિયાઓની ચુંગાલમાં 15 ભારતીયો ફસાયા
4 જાન્યુઆરીએ, એક દિવસ અગાઉ, યુકે મેરીટાઇમ ટ્રેડ ઓપરેશન્સ (UKMTO)એ રિપોર્ટ આપ્યો હતો કે લાઇબેરિયન-ધ્વજવાળું કાર્ગો જહાજ એમવી લીલા નોર્ફોક હાઇજેક કરવામાં આવ્યું છે. UKMTO એ બ્રિટિશ લશ્કરી સંસ્થા છે. તે વ્યૂહાત્મક જળમાર્ગોમાં વિવિધ જહાજોની હિલચાલ પર નજર રાખે છે. હાઇજેક કરાયેલા આ જહાજમાં 15 ભારતીય ક્રૂ મેમ્બર પણ હતા. આ પછી ભારતીય નૌકાદળ એક્શનમાં આવ્યું અને શુક્રવારે એટલે કે આજે તેના યુદ્ધ જહાજ INS ચેન્નાઈ સાથે આવી પહોંચ્યું. એવી માહિતી પણ મળી હતી કે જહાજમાં પાંચથી છ અજાણ્યા સશસ્ત્ર લોકો સવાર હતા.