ભારત સરકારે ચોખાની નિકાસને લઈને મોટો નિર્ણય લીધો છે. સરકારે બાસમતી ચોખા સિવાયના તમામ પ્રકારના કાચા ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે. આગામી તહેવારોની સિઝન દરમિયાન સ્થાનિક માંગમાં વધારા અને છૂટક કિંમતો પર નિયંત્રણને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. ખાદ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે બાસમતી ચોખા અને તમામ પ્રકારના ઉસના ચોખાની નિકાસ નીતિમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. એટલે કે માત્ર નોન-બાસમતી કાચા ચોખાની નિકાસ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જોકે ભારતમાંથી બાસમતી ચોખાની મોટા પાયે નિકાસ થાય છે.
ચોખાના ભાવમાં સતત વધારો
સરકારે બિન-બાસમતી સફેદ ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂકીને સ્થાનિક બજારમાં વધતા ભાવને કાબૂમાં લેવાનો નિર્ણય કર્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી ચોખાના ભાવમાં જોરદાર વધારો જોવા મળી રહ્યો છે, આ મહિનામાં ચોખાના ભાવમાં 10 થી 20 ટકાનો વધારો થયો છે. જોકે ચોખાની નિકાસને અમુક શરતો સાથે મંજૂરી આપવામાં આવશે. જો નોટિફિકેશન પહેલા જહાજોમાં ચોખાનું લોડિંગ શરૂ થઈ ગયું હોય તો તેની નિકાસને મંજૂરી આપવામાં આવશે. આ સિવાય સરકારે અન્ય દેશોને મંજૂરી આપી હોય તેવા કિસ્સામાં પણ ચોખાની નિકાસની મંજૂરી આપવામાં આવશે. સરકારે આ દેશોની ખાદ્ય સુરક્ષાની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આવી પરવાનગી આપી છે. દેશમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ખાણી-પીણીની કિંમતમાં ઘણો વધારો થયો છે. ઘઉં, ચોખા, દૂધ અને શાકભાજીના ભાવમાં ઝડપથી વધારો થયો છે. જે સરકાર માટે પણ મોટી ચિંતાનો વિષય બન્યો છે.