19 નવેમ્બરે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે વર્લ્ડ કપની ફાઈનલ મેચ યોજાઈ હતી. ભારતની ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો જ્યારે ઓસ્ટ્રેલિયા છઠ્ઠી વાર વર્લ્ડ ચેમ્પિયન બન્યું છે. ફાઈનલમાં પરાજય પછી ફરી એક વખત ભારતની ટીમ ઓસ્ટ્રેલિયાની ટીમ સાથે ટકરવાની છે. ઓસ્ટ્રેલિયા સામે પાંચ મેચની ટી-20 શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત કરાઈ છે. આ મેચમાં જે ખેલાડીઓ વર્લ્ડ કપની મેચમાં રમ્યા હતા તેને આરામ આપવામાં આવ્યો છે. કેપ્ટન તરીકેની કમાન સૂર્યકુમાર યાદવને સોંપવામાં આવી છે.
શું છે સમગ્ર કાર્યક્રમ?
23 નવેમ્બરથી વિશાખાપટ્ટનમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ ટી-20 મેચ રમાવાની છે. બીજી મેચનું આયોજન તિરૂવનંતપુરમમાં થશે, જ્યારે ત્રીજી મેચ 28 નવેમ્બરે ગુવાહાટીમાં યોજાવાની છે. પહેલી ડિસેમ્બરે રાયપુરમાં આ શ્રેણીની ચોથી મેચ જ્યારે 3 ડિસેમ્બરે આ ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે આ શ્રેણી અંતર્ગત મેચ બેંગલુરૂમાં રમાવાની છે. આ તમામ મેચ ભારતીય સમય અનુસાર સાંજે સાત વાગ્યાથી રમાવાની છે. આ વખતની મેચમાં ભારતીય ટીમમાં અક્ષર પટેલ રમશે, મુકેશ કુમાર તેમજ અર્શદીપને તક આપવામાં આવી છે.
ભારતીય ટીમના આ છે ખેલાડીઓ
20 નવેમ્બરે ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ રમાનારી મેચને લઈ ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. 15 સભ્યોની ટીમના નામ ઘોષિત કરવામાં આવ્યા છે. આ ટીમની કમાન સૂર્યકુમાર યાદવને સોંપવામા આવી છે. કેપ્ટન તરીકે સૂર્યકુમાર યાદવની પસંદગી કરવામાં આવી છે, જ્યારે ઋતુરાજ ગાયકવાડને વાઈસ-કેપ્ટન તરીકેની જવાબદારી સોંપાવામાં આવી છે. તે સિવાય ટીમમાં ઈશાન કિશન, યશસ્વી જયસ્વાલ, તિલક વર્મા, રિંકુ સિંહ, જીતેશ શર્મા (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ, શિવમ દુબે, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, પ્રસિદ્ધ કૃષ્ણ, આવેશ ખાન, મુકેશ કુમારનો સમાવેશ કરવામાં આવ્યો છે.