અગ્નિવીરો માટે સરકાર દ્વારા મહત્વનું પગલું લેવામાં આવ્યું છે, કેન્દ્ર સરકારે ભૂતપૂર્વ અગ્નિવીરો માટે 10% અનામતની નવી શ્રેણી બનાવવાની મંજૂરી આપી છે. નિશ્ચિતપણે સરકાર દ્વારા જાહેર કરાયેલા આ નવા પગલાથી અગ્નિવીરોને રાહત મળશે અને તેમને ફાયદો થશે. સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)માં જ 1.30 લાખ કોન્સ્ટેબલની ભરતી કરશે. તેમાંથી 10 ટકા પોસ્ટ અગ્નિવીરો માટે અનામત હશે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયની સૂચના અનુસાર, કુલ 1,29,929 પદોમાંથી 1,25,262 પુરૂષો અને 4,667 મહિલા ઉમેદવારો માટે હશે.
આ છે યોગ્યતાના માપદંડ
ઉમેદવારો માટે લઘુત્તમ શૈક્ષણિક લાયકાત 10 પાસ રાખવામાં આવી છે. આ ભરતી જનરલ ક્યુટી કેડરના કોન્સ્ટેબલની જગ્યાઓ માટે છે. તેમને સામાન્ય કેન્દ્રીય સેવામાં ગ્રુપ-સી નોન-ગેઝેટેડ કેટેગરીમાં મૂકવામાં આવશે. તમામ ખાલી જગ્યાઓ ભારતીય નાગરિકો માટે છે. નિવૃત્તિ 60 વર્ષની ઉંમરે થશે, વય મર્યાદા 18 થી 23 વર્ષ રાખવામાં આવી છે.
અનામત ઉમેદવારોને મળશે આ લાભ
સુત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે, પ્રથમ બેચને મહત્તમ પાંચ વર્ષની અને ભૂતપૂર્વ અગ્નિવીરોને ત્રણ વર્ષ સુધીની વયમાં છૂટછાટ મળશે. તેઓએ શારીરિક કાર્યક્ષમતા ટેસ્ટ (PET)માંથી પણ પસાર થવું પડશે નહીં. SC-ST કેટેગરીના ઉમેદવારોને વય મર્યાદામાં પાંચ વર્ષની છૂટ અને OBCને ત્રણ વર્ષની છૂટ મળશે. તે સાથે જ PM મોદી 71 હજાર યુવાનોને નિમણૂક પત્ર આપશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 13મી એપ્રિલે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 71 હજાર યુવાનોને નિમણૂક પત્રો આપશે. તેમાંથી સૌથી વધુ 50 હજાર નોકરીઓ રેલવે વિભાગમાં છે.