નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે બુધવારે જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ 2027-28 સુધીમાં ભારત 5 ટ્રિલિયન ડોલરથી વધુના કુલ સ્થાનિક ઉત્પાદન (GDP) સાથે વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે. આ સાથે જ સીતારમણે કહ્યું કે સરકારના અનુમાન મુજબ પણ વર્ષ 2047 સુધીમાં ભારતીય અર્થવ્યવસ્થાનું કદ 30 ટ્રિલિયન ડોલર સુધી પહોંચી જશે. વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટને સંબોધતા સીતારમણે કહ્યું હતું કે, શક્ય છે કે આપણે 2047 સુધીમાં 30 ટ્રિલિયન ડૉલર સુધી પહોંચી જઈશું. આપણે વર્ષ 2027-28 સુધીમાં ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનીશું અને તે સમય સુધીમાં દેશની જીડીપી પાંચ ટ્રિલિયન ડોલરને વટાવી જશે. એક અનુમાન છે કે વર્ષ 2047 સુધીમાં આપણી અર્થવ્યવસ્થા ઓછામાં ઓછા 3 ટ્રિલિયન ડોલર સુધી પહોંચી જશે."
ભારત 5મું સૌથી મોટું અર્થતંત્ર
ભારત લગભગ 3.4 ટ્રિલિયન ડોલરની જીડીપી સાથે વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. હાલમાં અમેરિકા, ચીન, જાપાન અને જર્મની જ તેનાથી આગળ છે. ભારતીય અર્થતંત્ર ચાલુ નાણાકીય વર્ષમાં 7.3 ટકાના દરે વૃદ્ધિ પામશે તેવું અનુમાન છે, જ્યારે ગયા નાણાકીય વર્ષમાં તેનો વિકાસ દર 7.2 ટકા હતો. અંગે સીતારમણે કહ્યું કે વર્ષ 2023 સુધીના 23 વર્ષોમાં ભારતને 919 બિલિયન ડોલરનું ડાયરેક્ટ ફોરેન ઈન્વેસ્ટમેન્ટ (FDI)આવ્યું છે. તેમાંથી 65 ટકા એટલે કે 595 અબજ ડોલરનું FDI નરેન્દ્ર મોદી સરકારના છેલ્લા આઠ-નવ વર્ષના કાર્યકાળ દરમિયાન આવ્યું છે. નાણાકીય સમાવેશનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે બેંક ખાતા ધરાવતા લોકોની સંખ્યા વધીને 50 કરોડ થઈ ગઈ છે જ્યારે 2014માં માત્ર 15 કરોડ લોકો પાસે બેંક ખાતા હતા.