ગાડી, બસ કે ટ્રેનમાં સાપ આવી ચડે તે સમાચાર તો ઘણીવાર સાંભળ્યા અને અખબારોમાં વાંચ્યા હશે, પણ હવામાં ઉડતા વિમાનમાં સાપ જોવા મળે તેનું ભાગ્યે જ જોવા મળે છે. જો આવી સ્થિતી સર્જાય તો મુસાફરોની શું હાલત થાય તે સમજી શકાય છે. કેરળના કાલિકટથી દુબઈ જતી સસ્તી હવાઈ સેવા આપતી એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટમાં સાપ નીકળવાની ઘટના બહાર આવી છે. દુબઈ એરપોર્ટ પર ઉતર્યા બાદ એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટના કાર્ગો હોલ્ડમાં એક સાપ જોવા મળ્યો હતો. પ્લેનમાં સાપને જોયા બાદ એર ઈન્ડિયા એક્સપ્રેસના મુસાફરોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો.
DGCAએ તપાસનો આદેશ આપ્યો
પ્લેનના કાર્ગોમાંથી સાપ મળ્યાની ઘટના બાદ ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશનએ ઘટનાની તપાસના આદેશ આપ્યા છે. DGCAના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, એર ઈન્ડિયા એક્સપ્રેસ B737-800 એરક્રાફ્ટ VT-AXW ફ્લાઈટ IX-343નું સંચાલન કરી રહ્યું હતું. જોકે, આ ઘટનામાં કોઈ મુસાફરોને નુકસાન થયું નથી. અત્રે ઉલ્લેખનિય છે કે એર ઈન્ડિયા એક્સપ્રેસ હાલમાં 34 સ્થળોની હવાઈ મુસાફરી ઓફર કરે છે. એર ઈન્ડિયા એક્સપ્રેસનું એર એશિયા ઈન્ડિયા સાથે મર્જ થઈ રહી છે. એર ઈન્ડિયાના નવા માલિક ટાટા ગ્રુપ તેના તમામ એરલાઈન્સ બિઝનેસને એક સાથે લાવવા માંગે છે.