અરૂણાચલ પ્રદેશમાં બોર્ડર નજીક તવાંગ વિસ્તારમાં ચીન અને ભારતના જવાનો વચ્ચે હિંસક અથડામણ થયાના સમાચાર છે. તવાંગના યાંગત્સે વિસ્તારમાં થયેલી આ અથડામણમાં બંને દેશોના અનેક જવાનો ઘાયલ થયા છે. ભારત અને ચીન વચ્ચે 9 ડિસેમ્બરે રાત્રે બંને દેશોના સૈનિકો વચ્ચે તંગદીલી સર્જાઈ હતી. જો કે સરકારે આ ઘટના અંગે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી. તવાંગમાં ઘાયલ થયેલા જવાનોને સારવાર માટે ગુવાહાટી લાવવામાં આવ્યા છે.
અથડામણ બાદ થઈ ફ્લેગ મીટિંગ
ચીન અને ભારતના જવાનો વચ્ચે થયેલી અથડામણમાં પથ્થરમારો પણ થયો હતો. આ દરમિયાન બંને દેશોના જવાનો વચ્ચે કેટલાક જવાનો ઘાયલ પણ થયા હતા. રિપોર્ટ પ્રમાણે અથડામણ 9 ડિસેમ્બરે થઈ હતી. જો કે હિંસક અથડામણ બાદ બંને દેશો વચ્ચે ફ્લેગ માર્ચ મિટીંગ પણ થઈ હતી અને જવાનો પાછા હટી ગયા હતા. ત્યાર બાદ આ વિસ્તારમાં એરિયા કમાન્ડરએ શાંતિ જાળવી રાખવા માટે તેમના ચીનના સમકક્ષ સાથે ફ્લેગ મીટિગ કરી હતી.
તવાંગ વિસ્તારમાં બંને દેશોનો દાવો
અરૂણાચલ પ્રદેશના તવાંગ સેક્ટરમાં એલએસી સાથે સંકળાયેલા કેટલાક વિસ્તારોમાં બંને દેશો પોતાનો દાવો કરી રહ્યા છે. આ વિસ્તારોમાં બંને પક્ષ પોતાના દાવાની સરહદ સુધી પેટ્રોલિંગ કરે છે. વર્ષ 2006થી આ જ ટ્રેન્ડ છે. જો કે હવે આ વિસ્તારમાં પણ બંને દેશો વચ્ચે તંગદીલીની સ્થિતી સર્જાઈ છે. ક્યારેક પેટ્રોલિંગ દરમિયાન ચીનના સૈનિકો ભારતના વિસ્તારોમાં પણ આવી જાય છે. આ સ્થિતીમાં ભારતીય જવાનો દ્વારા જડબોતોડ જવાબ આપવામાં આવે છે.
વિપક્ષોએ સરકાર પર કર્યા પ્રહાર
તવાંગમાં અથડામણને લઈ AIMIMના અસદુદ્દીન ઔવૈસીએ ટ્વીટ કરીને સરકાર પર બે દિવસ સુધી દેશને અંધારામાં રાખવાનો આરોપ લગાવ્યો છે. તેમણે સવાલ કર્યો કે જ્યારે સંસદનું શિયાળું સત્ર ચાલી રહ્યું છે ત્યારે આ અંગે સૂચના કેમ ન આપી? શું સરહદે ગોળીબાર થયો હતો કે કેમ? ઘાયલ જવાનોની શું સ્થિતી છે? તેમણે સંસદમાં આ મુદ્દે તાત્કાલિક ચર્ચાની માગ કરી હતી.
શિવસેના નેતા પ્રિયંકા ચતુર્વેદીએ કેન્દ્ર સરકાર પર કટાક્ષ કર્યો, તેમણે લખ્યું કે જમીન હડપ કરવા ચીનનો વધુ એક દિવસ પ્રયાસ અને ભારત સરકાર ચૂંટણી એજન્ડામાં વ્યસ્ત છે.