આવનાર વર્ષે લોકસભા ચૂંટણી યોજાવાની છે. આ વર્ષે પાંચ રાજ્યોમાં થયેલી વિધાનસભા ચૂંટણીને લોકસભા પહેલાની સેમિફાઈનલ માનવામાં આવી રહી હતી. દરેકની નજર પાંચ રાજ્યોના પરિણામ પર હતી. રાજસ્થાન, છત્તીસગઢ તેમજ મધ્યપ્રદેશમાં ભાજપનો ભગવો લહેરાયો છે જ્યારે તેલંગાણામાં કોંગ્રેસની સરકાર સત્તા પર આવી છે. વિધાનસભા ચૂંટણી બાદ ઈન્ડિયા ગઠબંધન એક્ટિવ મોડમાં આવી ગયું લાગે છે. પરિણામ આવ્યાના થોડા દિવસો બાદ ઈન્ડિયાની બેઠક યોજાવાની હતી પરંતુ તે કેન્સલ કરવામાં આવી. ત્યારે હવે ઈન્ડિયા એલાયન્સની બેઠક ક્યારે મળવાની છે તેની તારીખ કોંગ્રેસના નેતા જયરામ રમેશ દ્વારા જાહેર કરવામાં આવી છે.
બેઠક અંગે જયરામ રમેશે આપી માહિતી
લોકસભા ચૂંટણીને લઈ પક્ષોએ તૈયારી શરૂ કરી દીધી છે. ચૂંટણીને ભલે હજી સમય બાકી હોય પરંતુ રાજકીય પક્ષો માટે આ સમય ઓછો કહેવાય તેવું માનવામાં આવે છે. ભાજપ દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે તો ઈન્ડિયા ગઠબંધન પણ એક્ટિવ મોડમાં આવ્યું છે. લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ તે દિવસે બેઠક કેન્સલ કરવામાં આવી. મમતા બેનર્જી તેમજ નીતિશ કુમાર આ બેઠકમાં સામેલ નતા થવાના તેવી માહિતી પણ સામે આવી છે. ત્યારે ઈન્ડિયા ગઠબંધનની બેઠક 19 ડિસેમ્બરે યોજાશે તેવી માહિતી કોંગ્રેસ નેતા જયરામ રમેશ દ્વારા કરવામાં આવી છે.
લોકસભા ચૂંટણીને લઈ બેઠકમાં થઈ શકે છે ચર્ચા!
કોંગ્રેસના નેતા જયરામ રમેશે ટ્વિટ કરતા લખ્યું કે ઈન્ડિયા ગઠબંધનમાં સામેલ પક્ષોના નેતાઓની બેઠક મંગળવાર, 19 ડિસેમ્બર 2023ના રોજ નવી દિલ્હી ખાતે બપોરે યોજાવાની છે. જોડાશે ભારત, જીતશે ઈન્ડિયા. એવું માનવામાં આવી રહ્યું છે કે આગામી ચૂંટણીને લઈ રણનીતિ ઘડવામાં આવી શકે છે, બેઠકોની વહેંચણીને લઈ ચર્ચા કરવામાં આવી શકે છે. મહત્વનું છે કે આ બેઠક 6 ડિસેમ્બરના રોજ યોજાવાની હતી. એવી પણ માહિતી સામે આવી છે કે આ બેઠકની થીમ મેં નહીં હમ રાખવામાં આવી છે.