ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ હવે રાજકીય પક્ષપલટાની મોસમ ફરી પૂરબહારમાં ખીલી છે. આમ આદમી પાર્ટીના વિસાવદર બેઠક પર જંગી વિજય મેળવનાર ઉમેદવાર ભૂપત ભાયાણી ભાજપમાં જોડાશે તેવા સમાચાર વહેતા થયા છે. અત્રે ઉલ્લેખનિય છે કે વિસાવદર બેઠકથી ભાજપના જ ઉમેદવાર હર્ષદ રિબડીયાને સાત હજાર 63 મતથી હરાવીને ભૂપતભાઈ ભાયાણીએ જીત મેળવી હતી. જો કે હવે ત્રણ અપક્ષ પણ ફરી ભાજપમાં જોડાય તેવી શક્યતા છે.
અપક્ષ ધારાસભ્યોની ગુપ્ત બેઠક
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જીતેલા ત્રણ અપક્ષે ગુપ્ત બેઠક કરતાં અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે. બાયડથી વિજેતા બનેલા ધવલસિંહ ઝાલા, વાઘોડિયાના ધર્મેન્દ્રસિંહ, ધાનેરાના માવજીભાઈ દેસાઈએ ગુપ્ત બેઠક કરી હતી. અત્રે નોંધવા જેવી બાબત એ છે કે બાયડથી વિજેતા બનેલા ધવલસિંહ ઝાલા અને ધાનેરાના માવજીભાઈ દેસાઈને વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ટિકિટ ન આપતા તેઓ અપક્ષ તરીકે ચૂંટણી લડ્યા હતા અને વિજયી પણ બન્યા હતા. જો કે વિજેતા થયા બાદ તેઓ નવાજૂની ભૂલીને તેમની મૂળ પાર્ટી ભાજપમાં ફરી જોડાય તેવી પૂરી શક્યતા છે. જો કે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે બળવાખોરોને ભાજપમાં પરત નહીં લેવાનો દ્રઢ નિર્ધાર વ્યક્ત કર્યો હતો જો કે હવે પાટીલ આ ત્રણેય નેતાઓને ભાજપમાં સ્વિકારે છે કે કેમ તેના પર સૌની નજર છે.