ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ચાલી રહેલી ટી20 સીરીઝની બીજી મેચમાં પણ ભારતને હારનો સામનો કરવો પડ્યો છે. વેસ્ટ ઈન્ડિઝના ગુયાનામાં રમાયેલી બીજી ટી20 મેચમાં વેસ્ટ ઈન્ડિઝે 2 વિકેટથી રોમાંચક જીત હાંસિલ કરી છે, જેને લીધે પાંચ ટી20 મેચની શ્રેણીમાં વેસ્ટ ઈન્ડિઝે 2-0થી લીડ મેળવી લીધી છે, તેથી આગામી મેચ ભારત માટે કરો યા મરોની મેચ રહેવાની છે.
ટી20 ઈતિહાસમાં વેસ્ટઈન્ડિઝે બનાવ્યો આ રેકોર્ડ
બીજી ટી20 મેચમાં વેસ્ટઈન્ડિઝની ટીમે એક અનોખો રેકોર્ડ બનાવ્યો છે. T20 ક્રિકેટના ઈતિહાસમાં પ્રથમ વખત વેસ્ટઈન્ડિઝે સતત બે મેચ જીતીને શ્રેણીમાં 2-0થી લીડ મેળવી છે.જો કદાચ આગામી મેચમાં પણ વેસ્ટ ઈન્ડિઝની ટીમ જીતીને શ્રેણી પોતાને નામ કરે છે તો કદાચ પહેલી વખત એવું બનશે કે વેસ્ટ ઈન્ડિઝની ટીમે સતત ત્રણ મેચ જીતીને કોઈ સીરીઝ પર કબજો મેળવ્યો હોય.
તિલક વર્માએ ફટકારી ટી20 કરિયરની પહેલી ફિફ્ટી
બીજી ટી20 મેચની વાત કરવામાં આવે તો ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે 20 ઓવરમાં 7 વિકેટના નુકસાને 152 રન બનાવ્યાં હતા, જેમાં ગઈમેચમાં જ ડેબ્યૂ કરનાર યુવા બેટર તિલક વર્માએ પોતાના ટી20 ઈન્ટરનેશનલ કરિયરની પહેલી ફિફ્ટી નોંધાવી હતી. તિલક વર્માએ 41 બોલમાં 124.39ની સ્ટ્રાઈક રેટથી 51 રન બનાવ્યાં હતા. આ ઉપરાંત ભારત તરફથી ઈશાન કિશન અને કેપ્ટન હાર્દિક પંડ્યાએ અનુક્રમે 27 અને 24 રન બનાવીને પોતાનું મહત્વનું યોગદાન આપ્યું હતું, જ્યારે વેસ્ટ ઈન્ડિઝ તરફથી અકીલ હોસેન, અલઝારી જોસેફ અને રોમારિયો શેફર્ડને બે-બે વિકેટ મળી હતી.
નિકોલસ પુરનની ફિફ્ટી મેચ વિનિંગ સાબિત થઈ
153 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી વેસ્ટઈન્ડિઝની ટીમે 19મી ઓવરમાં જ જીત હાંસિલ કરી લીધી હતી. વેસ્ટ ઈન્ડિઝ તરફથી નિકોલસ પૂરને રોવમેન પોવેલ સાથે ચોથી વિકેટ માટે 37 બોલમાં 57 રનની ભાગીદારી કરી હતી. જેમાં નિકોલસ પુરને 40 બોલમાં 67 રનની મેચ વિનિંગ ઈનિંગ રમી હતી.જ્યારે રોવમેન પોવેલે 21 રન અને હેટમાયરે 22 રનની મહત્વપૂર્ણ ઈનિંગ રમી હતી. જેને લીધે વેસ્ટ ઈન્ડિઝની ટીમ સરળતાથી મેચ પોતાને નામ કરી હતી.
ભારત માટે ત્રીજી મેચ કરો યા મરોનો મુકાબલો
સતત બે ટી20 મેચ હાર્યા પછી ભારતીય ટીમ માટે હવે શ્રેણીને બચાવવા માટે આગામી મેચ જીતવી ખૂબ જ જરુરી છે, વેસ્ટઈન્ડિઝએ ટીમે 2-0થી મેળવેલી લીડે ભારતીય ડ્રેસિંગ રુમમાં ચિંતા ઉભી કરી છે, હવે જોવાનું એ છે કે આગામી કરો યા મરોના મુકાબલા માટે ભારતીય ટીમ કેટલી તૈયાર થઈને આવે છે. ત્રીજી ટી20 મેચની વાત કરવામાં આવે તો આ મેચ 8મી ઓગસ્ટના રોજ વેસ્ટઈન્ડિઝના ગુયાનાના પ્રોવિડન્સ સ્ટેડિયમમાં રમાશે.