ભારતીય ક્રિકેટ ટીમ હાલ વેસ્ટઈન્ડિઝના પ્રવાસે છે, જ્યાં હાલ ટેસ્ટ સીરીઝ રમાઈ રહી છે, જેમાં પહેલા દિવસે ટોસ જીતીને વેસ્ટઈન્ડિઝે બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો, જેમાં પહેલી ઈનિંગમાં જ આખી ટીમ 150 રનના સ્કોર પર ઓલ આઉટ થઈ ગઈ હતી.
આર અશ્વિનની 5 વિકેટ, સર્જ્યો આ નવો રેકોર્ડ
ભારત તરફથી રવિચંદ્રન અશ્વિને 5 વિકેટ લીધી હતી. રવીન્દ્ર જાડેજાને 3 સફળતા મળી. સિરાજ અને શાર્દૂલ ઠાકુરને એક-એક વિકેટ મળી હતી. રવિચંદ્રન અશ્વિને પેહલી ઈનિંગમાં 5 વિકેટ ઝડપી હતી, જે બાદ હાલ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેની 700 વિકેટ પૂરી થઈ ચૂકી છે અને તે જ કારણે આર અશ્વિન 700 કે તેથી વધુ વિકેટ લેનારો ત્રીજો ભારતીય બોલર છે. આ ઉપરાંત રવિચંદ્રન અશ્વિન વેસ્ટઈન્ડિઝ સામે સૌથી વધુ વિકેટ લેવાના મામલે પાંચમાં નંબર પર આવી ગયો છે. તેમણે બેશન સિંહ બેદીને પાછળ છોડી દીધા.
વેસ્ટઈન્ડિઝ 150 રનમાં ઓલ આઉટ, ભારત 70 રનથી પાછળ
પહેલા દિવસના અંતે ભારતીય બોલરોના સારા પ્રદર્શનને કારણે વેસ્ટઈન્ડિઝ ટીમ 150 રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી, વેસ્ટઈન્ડિઝ તરફથી ડેબ્યૂ મેચ રમી રહેલા એલિક એથેનોઝએ સૌથી વધુ 47 રન બનાવ્યા હતા, આ સિવાયના બેટર્સમાં કેપ્ટન ક્રેગ બ્રેથવેટે 20 રન અને રહકીમ કોર્નવોલે 19 રન બનાવ્યા હતા. આ સિવાય જેશન હોલ્ડરે 18 રન અને તેજનારાયણ ચંદ્રપોલે 12 રન બનાવ્યા હતા.
જેના જવાબમાં ભારતીય ટીમ તરફથી ઓપનિંગ કરવા ઉતરેલા કેપ્ટન રોહિત શર્મા અને ડેબ્યૂ મેચ રમી રહેલા યશસ્વી જયસ્વાલે પહેલા દિવસના અંત સુધી ભારતીય ટીમ માટે એક પણ વિકેટ ગુમાવ્યા વગર 80 રન બનાવ્યાં હતા, જેમાં કેપ્ટન રોહિત શર્માએ 65 બોલમાં 3 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 30 રન બનાવ્યાં હતા અને યશસ્વી જયસ્વાલે 73 બોલમાં 6 ચોગ્ગાની મદદથી 40 રન બનાવ્યાં હતા.
ભારત તરફથી જયસ્વાલ-ઈશાન અને વિન્ડીઝ તરફથી એથનિકે ડેબ્યૂ કર્યું
આ સીરીઝમાં કુલ 3 યુવાનોને ડેબ્યૂ કરવાની તક મળી હતી. ભારત તરફથી વિકેટકીપર બેટર ઈશાન કિશન અને યશસ્વી જયસ્વાલએ પોતાના કરિયરની પહેલી ટેસ્ટ મેચ રમી હતી, જ્યારે વેસ્ટ ઈન્ડિઝ તરફથી એલિક એથનોઝને ડેબ્યૂ કરવાની તક મળી છે. ઈશાન કિશનને પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ જ્યારે યશસ્વી જયસ્વાલને કેપ્ટન રોહિત શર્માએ ડેબ્યૂ કેપ પહેરાવી હતી, જ્યારે વેસ્ટઈન્ડિઝ તરફથી ડેબ્યૂ કરનાર એલિક એથનોઝને ડૉ. ડેસમંડ હેન્સ તરફથી ડેબ્યૂ કેપ મળી હતી.
ભારત અને વેસ્ટઈન્ડિઝ ટીમના પ્લેઇંગ-11
ભારત: રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, રવીન્દ્ર જાડેજા, ઈશાન કિશન (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, શાર્દૂલ ઠાકુર, જયદેવ ઉનડકટ અને મોહમ્મદ સિરાજ.
વેસ્ટઈન્ડિઝ: ક્રેગ બ્રાથવેટ(કેપ્ટન), તેજનારાયણ ચંદ્રપોલ, રેમન રીફર, જર્માઈન બ્લેકવુડ, એલીક એથનેઝ, જોશુઆ દા સિલ્વા(વિકેટકીપર), જેસન હોલ્ડર, રહકીમ કોર્નવોલ, અલ્ઝારી જોસેફ, કેમર રોચ અને જોમેલ વોરિકન.