એશિયા કપ 2023ની ફાઈનલ મેચ ભારત અને શ્રીલંકા વચ્ચે કોલંબોના પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાઈ રહી છે. અહીં મોહમ્મદ સિરાજે પોતાની તેજતર્રાર બોલિંગથી તબાહી મચાવી છે. સિરાજે પોતાની બોલિંગના પ્રથમ 16 બોલમાં 5 વિકેટ ઝડપી છે. વર્તમાન ટુર્નામેન્ટમાં બંને ટીમો બીજી વખત આમને-સામને છે. આ પહેલા બંને સુપર-ફોર રાઉન્ડમાં પણ સામસામે આવી ગયા હતા, જેમાં ભારતે 41 રને જીત મેળવી હતી. જો ભારતીય ટીમ ફાઈનલ મેચ જીતશે તો રેકોર્ડ આઠમી વખત એશિયા કપ પર કબજો કરશે. શ્રીલંકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. વરસાદના કારણે મેચ 40 મિનિટ મોડી શરૂ થઈ હતી.
શ્રીલંકાની 8 વિકેટ પડી
પ્રથમ 13 ઓવરમાં શ્રીલંકાનો સ્કોર 41 રન છે અને તેણે 8 મહત્વની વિકેટ ગુમાવી છે. પહેલા પાવરપ્લેમાં તેની શરૂઆત ઘણી ખરાબ રહી હતી. તેમાં પણ ભારતનો ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ અટકવાનું નામ નથી લઈ રહ્યો અને તેણે શ્રીલંકાને કોઈ દયા બતાવી નથી. તેણે માત્ર 16 બોલ ફેંકીને પાંચમી વિકેટ લીધી છે. માત્ર 12 રન બનાવીને શ્રીલંકાના 6 બેટ્સમેન પેવેલિયન પરત ફર્યા છે. સિરાજે ચોથી ઓવરના પહેલા બોલ પર પથુમ નિસાન્કાની વિકેટ લીધી, તેણે માત્ર 2 રન બનાવ્યા. આ પછી એ જ ઓવરના ત્રીજા અને ચોથા બોલ પર સાદિરા અને ચરૈથ અસલાંકાની વિકેટ પણ લીધી હતી. આ બંને બેટ્સમેન પોતાનું ખાતું પણ ખોલાવી શક્યા ન હતા. આ જ ઓવરના છેલ્લા બોલ પર તેણે ધનંજય ડી સિલ્વાને પણ 4 રનના અંગત સ્કોર પર પરત મોકલી દીધો હતો.
શ્રીલંકા સામે કેવું રહ્યું છે ભારતનું પર્ફોર્મન્સ?
ભારત અને શ્રીલંકા વચ્ચે અત્યાર સુધીમાં 166 ODI મેચ રમાઈ છે. ભારતે 97 મેચ જીતી છે અને શ્રીલંકાએ 57 મેચ જીતી છે. 11 મેચમાં કોઈ પરિણામ આવ્યું ન હતું, જ્યારે એક મેચ ટાઈ રહી હતી. એશિયા કપના ODI ફોર્મેટની વાત કરીએ તો બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં 20 મેચ રમાઈ છે. બંને ટીમોએ 10-10 મેચ જીતી છે. બંને ટીમો ફાઇનલમાં 8 વખત ટકરાયા છે. જેમાં ભારત 5 વખત અને શ્રીલંકા 3 વખત જીત્યું છે.
(આ એક બ્રેકિંગ ન્યૂઝ છે. જે અપડેટ થઈ રહ્યા છે. પેજ રિફ્રેશ કરતા રહેશો.)