ભારત અને બાંગ્લાદેશ વચ્ચે એડિલેડમાં રમાયેલી T20 વર્લ્ડ કપની સુપર 12 મેચમાં ભારતનો ભવ્ય વિજય થયો છે. રોહિત શર્મા અને કંપનીનો 5 રને વિજય થતા સમગ્ર દેશમાં હર્ષનો માહોલ જોવા મળી રહ્યો છે. આ પહેલા પ્રથમ બેટિંગ કરતા ભારતે 20 ઓવરમાં 6 વિકેટે 184 રન બનાવ્યા હતા. જો કે બાંગ્લાદેશ તે લક્ષ્ય પ્રાપ્ત કરવામાં નિષ્ફળ રહ્યું હતું.
ભારતીય ક્રિકેટ ટીમનું પર્ફોર્મન્સ
ભારત તરફથી વિરાટ કોહલી અને કેએલ રાહુલે અડધી સદી ફટકારી હતી, જેના આધારે ભારતે મજબૂત લક્ષ્યાંક મૂક્યો હતો. કોહલીએ 44 બોલમાં 64 રનની અણનમ ઇનિંગ રમી હતી, જ્યારે કેએલ રાહુલ 32 બોલમાં 50 રન બનાવીને આઉટ થયો હતો. બાંગ્લાદેશ તરફથી હસન મેહસુદે 3 જ્યારે શાકિબ અલ હસને 2 વિકેટ ઝડપી હતી. ભારત તરફથી અર્શદિપ અને હાર્દિક પંડ્યા સૌથી સફળ બોલર રહ્યા હતા.
વરસાદના કારણે મેચમાં વિક્ષેપ, બાંગ્લાદેશને 151 લક્ષ્ય મળ્યું
બાંગ્લાદેશે સાત ઓવરમાં વિના વિકેટ ગુમાવ્યે 66 રન બનાવ્યા હતા પણ વરસાદ પડતા મેચ રોકવી પડી હતી. બાંગ્લાદેશના લિટન દાસે 26 બોલમાં 59 રન જ્યારે નઝમુલ હુસૈન શંટો 7 રન બનાવીને રમી રહ્યા હતા. ડકવર્થ-લુઈશ પધ્ધતી હેઠળ બાંગ્લાદેશ 17 રનથી આગળ હતા. એટલે કે બાંગ્લાદેશએ 9 ઓવરમાં જીત માટે 85 રન બનાવવાના હતા.
ભારતની સેમી ફાઈનલમાં એન્ટ્રી નક્કી
બાંગ્લાદેશ સામેની આજની મેચમાં જીત મેળવ્યા બાદ ટીમ ઈન્ડિયા ગ્રુપ -2ના પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી ગયું છે. આ સાથે ભારતની સેમી ફાઈનલમાં પહોંચવાની શક્યતાઓ મજબુત બની ગઈ છે.