ગુજરાતમાં હાલ બે ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. ઉત્તરભારતમાં થયેલી હિમવર્ષાને કારણે તાપમાનનો પારો ગગડ્યો હતો. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યના તાપમાનમાં ઘટાડો થયો છે. પવનની દિશા બદલાવવાને કારણે ભેજવાળું વાતાવરણ જેવો અનુભવ થઈ રહ્યો છે. ત્યારે માવઠાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ફેબ્રુઆરી મહિનામાં જ તાપમાન 36 ડિગ્રીને પાર નોંધાયું છે.
ગરમી પણ અનેક વર્ષોનો તોડી શકે છે રેકોર્ડ
રાજ્યમાં આ વખતે શિયાળામાં કાતિલ ઠંડીનો અહેસાસ થયો હતો. અનેક વર્ષોના રેકોર્ડ આ વર્ષે તૂટ્યા હતા. ત્યારે આ વર્ષનો ઉનાળો પણ આકરો રહેવાનો છે તેવું અનુમાન લગાવામાં આવી રહ્યું છે. અનુમાન સાચું પડતું દેખાઈ રહ્યું છે. ફેબ્રુઆરીમાં કાળઝાળ ગરમીનો અહેસાસ લોકોને થઈ રહ્યો છે. સવારના સમયે તેમજ રાતના સમયે ઠંડીનો અહેસાસ થાય છે તો બપોરના સમયે ગરમીનો અહેસાસ થાય છે. અમદાવાદનું તાપમાન 36 ડિગ્રી આસપાસ નોંધાયું હતું.
બેવડી ઋતુને કારણે લોકો પડી રહ્યા છે બીમાર
અમદાવાદનું તાપમાન સામાન્ય કરતા 3 ડિગ્રી વધીને 34.9 નોંધાયું હતું. 24 ફેબ્રુઆરી પછી રાજ્યમાં ગરમીનો અનુભવ થઈ શકે છે તેવું અનુમાન લગાવામાં આવ્યું છે. પવનની દિશા બદલાવાને કારણે આવનાર દિવસોમાં તાપમાનનો પારો વધી શકે છે. ફેબ્રુઆરીમાં જ યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.આગામી બે દિવસ ગુજરાતમાં હીટવેવનો અનુભવ થઈ શકે છે. સુરેન્દ્રનગર, રાજકોટ તેમજ કચ્છમાં હીટવેવની આગાહી કરાઈ છે. તાપીનું તાપમાન 40 ડિગ્રી આસપાસ પહોંચવાની સંભાવના વ્યક્ત કરી છે. હાલ બેવડી ઋતુનો અહેસાસ થતા લોકો બીમાર પડી રહ્યા છે.