રાજ્યમાં ફરી એક વખત કાતિલ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. શીત લહેરનો અહેસાસ ગુજરાતીઓને ફરી એક વખત થવાનો છે. આગામી દિવસોમાં તાપમાનનો પારો બેથી ત્રણ ડિગ્રી નીચે નોંધાઈ શકે છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. આગામી દિવસોમાં અમદાવાદમાં તાપમાનનો પારો 7 ડિગ્રીથી નીચે નોંધાઈ શકે છે. નલિયામાં 5.4, ગાંધીનગરમાં 8.3, ડીસામાં 10.2, ભૂજમાં 9.6 તાપમાન નોંધાયું હતું.
આવનાર દિવસોમાં ફૂંકાશે ઠંડા પવન
ગુજરાતમાં ઠંડીએ થોડા દિવસનો વિરામ લીધો હતો. ગુજરાતીઓને ઠંડીથી આંશિક રાહત પણ મળી હતી. આવનાર દિવસોમાં તાપમાનનો પારો હજી ગગડશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ઠંડીનો વધુ એક રાઉન્ડ શરૂ માટે તૈયાર રહેવું પડશે. સૂસવાટા મારતા પવન સાથે ઠંડીનો અહેસાસ થવાનો છે.
અનેક શહેરોમાં નોંધાશે 10 ડિગ્રીથી નીચે તાપમાન
અમદાવાદમાં લઘુતમ તાપમાન 9 ડિગ્રી નોંધાયું હતું. નલિયામાં તાપમાન 5.4 ડિગ્રી નોંધાયું હતું. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી બે દિવસ કડકડતી ઠંડી પડશે. ગાંધીનગર, નર્મદા, છોટાઉદેપુર, ભુજમાં પણ તાપમાનનો પારો 10 ડિગ્રી નીચે નોંધાયું હતું. આગામી 3 દિવસ ગાંધીનગરમાં 7થી 8 ડિગ્રી આસપાસ રહેશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ઠંડીથી રક્ષણ મેળવવા લોકો ગરમ કપડા પહેરી રહ્યા છે.