રાજ્યના હવામાનમાં ગમે ત્યારે પલટો આવી રહ્યો છે. કોઈ વખત કમોસમી વરસાદ વરસે છે તો કોઈ વખત ગરમીનો અહેસાસ થાય છે. રાજ્યના હવામાનને લઈ હવામાન વિભાગે જણાવ્યું હતું કે આગામી ચાર પાંચ દિવસમાં તાપમાન 2-3 ડિગ્રી જેટલું વધતાં ગરમીમાં વધારો થશે. ગરમી અને સુકા પવન વહેવાને કારણે અમદાવાદ સહિત 9 શહેરોમાં તાપમાન 37 ડિગ્રી આપસાસ નોંધાયું હતું.
આગામી દિવસોમાં વધશે તાપમાનનો પારો
આ વખતે શિયાળામાં કડકડતી ઠંડીનો અહેસાસ થયો હતો. ઠંડીએ અનેક વર્ષોના રેકોર્ડ તોડ્યા હતા. ત્યારે એવું અનુમાન લગાવવામાં આવ્યું હતું કે આ વખતની ગરમી પણ અનેક વર્ષોના રેકોર્ડ તોડશે. ત્યારે આ અનુમાન સાચું હોય તેવું લાગી રહ્યું છે. ગરમી પારો હમણાં 37 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. ઉપરાંત આગામી થોડા દિવસો તાપમાનનો પારો વધી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. એવું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે 12થી 16 એપ્રિલ સુધી ગરમીનો પારો 42થી 44 ડિગ્રી સુધી નોંધાવાની સંભાવના છે.
આ જગ્યાઓનું તાપમાન 37થી વધુ નોંધાયું
એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ગરમીનો પારો 40 ડિગ્રી પહોંચી શકે છે. શુક્રવારે 38 ડિગ્રીના આસપાસ પહોંચશે જ્યારે શનિવારે 39 અને રવિવારે 40 ડિગ્રીને આસપાસ પહોંચશે. ગુરૂવારે સુરેન્દ્રનગર સૌથી ગરમ નોંધાયું હતું. અમદાવાદ સહિત રાજ્યભરમાં ગરમીનો અનુભવ થયો હતો. અનેક જગ્યાઓનું તાપમાન 37 ડિગ્રીને પાર નોંધાયું હતું. જો તાપમાનની વાત કરીએ તો અમદાવાદમાં 37.9, સુરેન્દ્રનગરમાં 38 ડિગ્રી, વડોદરાનું તાપમાન 37.4 નોંધાયું છે. અમરેલીમાં તાપમાન 37.4 ડિગ્રી, વિદ્યાનગરમાં 37.2, ગાંધીનગર, રાજકોટ, મહુવા, કેશોદમાં તાપમાન 37.2ની આપસાસ નોંધાયું હતું. મહત્વનું છે કે અનેક રાજ્યો માટે હિટવેવની આગાહી કરવામાં આવી છે.