રખડતાં ઢોર બાદ રખડતા કૂતરાંઓને કારણે દેશના લોકો પરેશાન થઈ રહ્યા છે. પ્રતિદિન રખડતાં કૂતરાંઓ રાહદારીઓને કરડી લેતા હોય છે જેના પર સુપ્રીમ કોર્ટે ટિપ્પણી કરી છે. કોર્ટે કહ્યું કે રોડ પર રખડતા શ્વાન કોઈને કરડે તો તેને ખવડાવનાર વ્યક્તિ સારવારનો ખર્ચો ભોગવશે.
રખડતાં કૂતરાંને ખવડાવનારનો થશે મરો, પણ કેમ?
આજકાલ રખડતાં કૂતરાંઓ બહુ મોટો ત્રાસ બની ગયા છે. પાલતુ કૂતરાંઓ દ્વારા પણ થતા હુમલાઓની સંખ્યામાં વધારો થયો છે. રખડતા શ્વાન ઉપરાંત પાલતુ કૂતરાંઓ રાહદારીઓને કરડી રહ્યા છે. ત્યારે આ વિષય પર ટિપ્પણી આપતા સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે જીવદયા પ્રેમીઓ રસ્તા પર રખડતા કૂતરાંઓને ખાવાનું ખવડાવે છે. તેઓને આ કૂતરાંઓના વેક્સીનેશન માટે પણ જવાબદાર ગણવા જોઈએ. વધુમાં જણાવ્યું કે આ પ્રકારના રખડતા કૂતરાઓ કોઈને કરડી જાય તો તે વ્યક્તિની સારવાર કરવાનો ખર્ચો પણ કૂતરાઓને ખાવાનું આપનારા લોકોએ જ ઉઠાવવો જોઈએ.
ભૂખ્યાં હોવાને કારણે હિંસક બની જાય છે કૂતરાં
ઘણી વખત ભોજન ન મળવાને કારણે રખડતા શ્વાન આક્રામક બની જતા હોય છે. હિંસક બની તેઓ અનેક વખત રાહદારીઓ પર હલ્લાબોલ કરે છે. ત્યારે આ સમસ્યાનું નિરાકરણ કેવી રીતે લવાય તે અંગેની વધુ સુનાવણી આગામી 28 સપ્ટેમ્બરના રોજ થવાની છે.