દેશમાં ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ (ITR Filing) કરનારાઓના આંકડાએ જુના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. દેશમાં ઈન્કમ ટેક્સ ભરનારાઓની સંખ્યામાં તેજી જોવા મળી રહી છે. છેલ્લા 10 વર્ષમાં ITR ભરનારાઓની સંખ્યા બેગણાથી પણ વધુ થઈ ગઈ છે. 10 વર્ષમાં ITR ફાઈલ કરનારાઓની સંખ્યા 7.78 કરોડ પર પહોંચી ગઈ છે. CBDT દ્વારા આ અંગે જાણકારી આપવામાં આવી છે. જેમાં બતાવવામાં આવ્યું છે કે નાણાકિય વર્ષ 2022-23માં 7.78 કરોડ જેટલા આઈ ટી રિટર્ન ભરવામાં આવ્યા છે. આ વર્ષ 2013-14માં ભરવામાં આવેલા IT રિટર્નની તુલનામાં 104.91 ટકાથી પણ વધુ છે.
રિટર્ન ફાઈલિંગમાં 104.91નો ઉછાળો
વર્ષ 2022-23ના આ સમયગાળામાં ડાયરેક્ટ ટેક્સ કલેક્શન 160.52 ટકા વધીને 16,63,686 કરોડ રૂપિયા જેટલું થયું છે. જે વર્ષ 2013-14 માં 6,38,596 કરોડ રૂપિયા હતું. એટલે કે દાયકામાં 10,25,090 કરોડ રૂપિયા આવકવેરાને ટેક્સરૂપે મળ્યા છે. સરકારે વર્ષ 2023-24ના બજેટમાં ડાયરેક્ટ ટેક્સ ( પર્સનલ ઈન્કમ ટેક્સ અને કંપની ટેક્સ) થી 18.23 લાખ કરોડ રૂપિયા એકત્રિત કરવાનું લક્ષ્ય રાખ્યું છે. આ ગત વર્ષમાં એકઠા કરાયેલા 16.61 લાખ કરોડ રૂપિયાની તુલનામાં 9.75 ટકા વધુ છે. 2013-14માં ઈન્કમટેક્સ વિભાગને 7,21,604 કરોડ ગ્રોસ ટેક્સની આવક થઈ હતી અને તેની સામે 2022-23માં 19,72,248 કરોડ રૂપિયા ઈન્કમ થઈ હતી. એ હિસાબે ગ્રોસ ડાયરેક્ટ ટેક્સમાં 173.31% ગ્રોથ થયો હતો. છેલ્લા દાયકામાં ઈન્કમટેક્સ રિટર્ન ફાઈલ કરવામાં જબરો ઉછાળો આવ્યો છે. વર્ષ 2013-14માં 3.80 કરોડ ભારતીયો રિટર્ન ફાઈલ કરતા હતા તેની સામે 2022-23માં 7.78 કરોડ લોકો રિટર્ન ફાઈલ કરી રહ્યા છે, આ રીતે રિટર્ન ફાઈલ કરવામાં 104.91% ગ્રોથ જોવા મળી રહ્યો છે.
ગ્રોસ ડાયરેક્ટ ટેક્સ વર્ષ 2022-23માં 173.31 ટકા વધ્યો
CBDTના આંકડા પ્રમાણે ગ્રોસ ડાયરેક્ટ ટેક્સ વર્ષ 2022-23માં 173.31 ટકા વધીને 19,72,248 કરોડ રૂપિયા રહ્યું જે 2013-14 માં 7,21,604 કરોડ રૂપિયા હતું. આ સાથે જ ડાયરેક્ટ ટેક્સ -જીડીપીનો રેશિયો 5.62 ટકાથી વધીને 6.11 ટકા રહી ગયું છે. જો કે ટેક્સ કલેક્શન ખર્ચ વધીને 2022-23 માં 0.57 ટકા થઈ ગઈ જે 2013-14માં 0.51 ટકા હતી.