ગુજરાત હવામાન વિભાગ વરસાદની આગાહી એટલા માટે કરતું હોય છે જેથી લોકો પોતાની રીતે તૈયારીઓ કરી રાખે. ત્યારે આજે વલસાડ જિલ્લાના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. વરસાદના કારણે વલસાડના રેલવે સ્ટેશનના વિસ્તારમાં ચોખાની ગુણીઓ પલડવાનો બનાવ બન્યો હતો.
અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની બેદરકારી
વલસાડના મોગરાવાડી રેલવે સ્ટેશન પાસે હરિયાણાથી આવેલા ચોખાનો જથ્થો ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. વરસાદની ભીતી વચ્ચે ચોખાનો માલ ખુલ્લો ઉતારવાના કારણે વરસાદમાં ચોખાની કણકી થઈ ગઈ હતી. લાખો કિલો ચોખા પલળતા ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. આ ઘટનામાં કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની બેદરકારીના કારણે મોટો જથ્થો પલળી ગયો હતો તેવી વાતો સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહી છે.
અગાઉ રાજકોટમાં પણ આવી ઘટના જોવા મળી હતી જેમાં હવામાન વિભાગની આગાહી બાદ માર્કેટિંગ યાર્ડમાં વ્યવસ્થા કરવામાં આવી નહોતી, જેના કારણે પણ અનાજનો બગાડ થયો હતો. માર્કેટિંગ યાર્ડમાં પણ અનાજ બહાર ખુલ્લુ મૂકી દેવાથી અને પ્રોપર મેનેજમેન્ટ ન હોવાના કારણે અનાજનો બગાડ થાય છે. જે અન્ન લોકોના પેટમાં જવું જોઈએ તે સડીને બગડી જાય છે.