ગુજરાતમાં ચૂંટણીના પડઘમ વાગી ગયા છે. દરેક પાર્ટી પ્રચાર કરવા પર વધારે ધ્યાન આપી રહી છે. ચૂંટણી નજીક આવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાજપ માટે પ્રચાર કરી રહ્યા છે. પ્રચારની કમાન પીએમ મોદીએ સંભાળી છે.ચૂંટણીને ધ્યાનમાં રાખી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવ્યા છે. ત્રણ દિવસ ગુજરાતમાં રહી તેઓ ભાજપનો પ્રચાર કરશે ઉપરાંત અનેક કાર્યોનું લોકાર્પણ તેમજ શિલાન્યાસ કરશે.
વડોદરામાં પીએમનો રોડ-શો
ચૂંટણીની તારીખ જાહેર થાય તે પહેલા દરેક પાર્ટી પ્રચારમાં એડીચોટીનું જોર લગાડી રહી છે. છેલ્લા 27 વર્ષથી ગુજરાતમાં ભાજપનું શાસન છે. ત્યારે રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકારના કામો લોકો સુધી પહોંચાડવા ભાજપ પ્રયાસ કરી રહી છે. ચૂંટણીને ધ્યાનમાં રાખી અનેક વખત પીએમ ગુજરાતની મુલાકાત લઈ મતદારોને આકર્ષવાનો પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે આજે તેમના પ્રવાસનો પ્રથમ દિવસ છે. વડોદરા ખાતે તેમણે ભવ્ય રોડ-શો કર્યો હતો. આ રોડ શોમાં ભારે જનમેદની ઉમટી હતી. પીએમએ ઉપસ્થિત તમામ લોકોનું અભિવાદન ઝીલ્યું હતું.
અનેક મુદ્દાઓ પર વડાપ્રધાન મોદીએ કરી વાત....
શિલાન્યાસ દરમિયાન કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથ સિંહ, ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિત મોટી સંખ્યામાં ઉદ્યોગપતિઓ હાજર રહ્યા હતા. પોતાના સંબોધન દરમિયાન વડાપ્રધાન મોદીએ કહ્યું કે આજનું ભારત નવા માઈન્ડ સેટ સાથે કામ કરી રહ્યું છે. ભારત પહેલા મેન્યુફેકચરિંગ પર ધ્યાન કેન્દ્રિત નહોતું કરતું. માત્ર સર્વિસ સેક્ટર પર જ ધ્યાન અપાતું હતું પરંતુ હવેથી અમે બંને સેક્ટર પર ધ્યાન આપી બંને સેક્ટરનો વિકાસ કરીશું. વધુમાં તેમણે કહ્યું કે ભારત પાસે skilled મેન પાવરનો ટેલેન્ટ છે. 8 વર્ષમાં સરકારે જે સુધારા કર્યા તેમાં ભારતમાં મેન્યુફેકચરિંગમાં વધારો થયો છે.
આત્મ નિર્ભરની વાત કરતા તેમણે કહ્યું કે ભારતમાં બનેલી કાર, મોબાઈલ, ફોન ઉપરાંત અનેક ગેજેટ્સ કેટલા બધા દેશોમાં પ્રસિદ્ધ છે. ભારત ટ્રાન્સપોર્ટ પ્લેનનો પણ મોટો નિર્માતા બનશે. દુનિયાના મોટા પેસેન્જર પ્લેન પણ ભારતમાં જ બનશે. જેના પર લખ્યું હશે કે મેક ઈન ઈન્ડિયા. પહેલી વખત દેશમાં મિલેટ્રી એરક્રાફ્ટ બનશે. એર ટ્રાફિક મામલે ભારત દુનિયામાં ટોપ ત્રણ નંબરે પહોંચ્યું છે.