યુનિવર્સિટીની પરીક્ષામાં અનેક વખત છબરડા થયા હોય તેવા કિસ્સાઓ સામે આવતા હોય છે. કોઈ વખત પેપર ફૂટે છે તો કોઈ વખત પરીક્ષામાં ગેરરીતિ કરવામાં આવતી હોય છે. ફરી એક વખત એક યુનિવર્સિટીની પરીક્ષામાં છબરડો થયો હોય તેવી માહિતી સામે આવી છે. પેપર હતું 50 માર્ક્સનું અને મહત્તમ માર્ક 50 કરતા વધારે છપાયા. આવી ઘટના ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં બની છે.
પ્રેક્ટિકલના માર્ક આપવામાં ગેરરીતિ આચરવામાં આવી!
ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીનો મોટો છબરડો સામે આવ્યો છે. નર્સીંગ કોલેજનાં ટીવાય બીએસસી નર્સીંગના વિદ્યાર્થીઓને જે માર્કશીટ અપાઇ તેમાં મેન્ટલ હેલ્થ નર્સીંગ વિષયના પ્રેક્ટિકલ એક્સ્ટર્નલમાં મહત્તમ માર્ક 50 કરતાં મળેલા માર્ક વધુ છપાયા હતા. આવા 34 વિદ્યાર્થીઓએ કુલપતિ ડો. ચેતન ત્રિવેદી સમક્ષ આ છબરડા વિશેની ફરીયાદ કરી હતી. તેથી તમામની માર્કશીટ સુધારીને બધાને ફરીથી નવી માર્કશીટ ઇસ્યુ કરાઇ હતી. આ દરમ્યાન યુનિવર્સિટીની છબરડાવાળી 4 માર્કશીટો સોશિયલ મીડિયા પર એવી ટીપ્પણી સાથે વાયરલ થઇ ગઇ હતી કે, પ્રેક્ટિકલના માર્ક આપવામાં ગેરરીતિ આચરવામાં આવી છે.