અનેક વીડિયો આપણે જોયા હશે જેમાં બાપની ઓળખાણનો લાભ, તેમના પૈસાનો રોફ તેમનો દીકરો જમાવતો હોય.. ત્યારે સુરતથી એક વીડિયો સામે આવ્યો છે જેમાં એક વ્યક્તિ બસમાં કંટક્ટરનો કોલર પકડે છે. બાપા જ્યારે રાજનીતિમાં હોય ત્યારે તેમના છોકરાઓ રોફ જમાવતા હોય છે.. તેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
છોકરો બસમાં ચડ્યો અને કંડક્ટરનો કોલર પડકી..!
જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તે સુમૂલ ડેરી રોડ ઉપરનો હોવાનું માનવામાં આવી રહ્યું છે. બસના કંડક્ટર સાથે એક મુસાફરે ઉગ્ર બોલચાલી કરી, રોફ જમાવ્યો હતો. તેણે કન્ડક્ટરનો કોલર પકડી દાદાગીરી કરી હતી. કંડક્ટરને લાખો રૂપિયાનાં નોટનાં બંડલો દેખાડી ધારાસભ્યનો છોકરો છું, થાય એ કરી લે એવું પણ કહ્યું જેનો વીડિયો પણ વાયરલ થયો છે. છોકરો બસમાં ચડ્યો અને બસમાં ચડ્યા બાદ તેણે કંડક્ટર સાથે દરવાજા પાસે કેમ ઊભો છે કહી કોલર પકડી લીધો હતો.
બેગની ચેન ખોલી અને પછી...
કંડક્ટરે જ્યારે તેને કોલર કેમ પકડે છે એમ કહ્યું ત્યારે હું ધારાસભ્યનો દીકરો છું એમ કહી રોફ જમાવ્યો. યુવાને કંડક્ટરની સામે રોફ જમાવવા માટે બેગની ચેઇન ખોલી અંદરથી રૂપિયા 500ની નોટનાં બંડલો બતાવ્યાં હતાં અને કહ્યું હતું કે તું મને શું ભિખારી સમજે છે? કંડક્ટરે પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કર્યો અને આખી વાતની જાણ કરી..
જ્યારે કોર્પોરેટરને પૂછવામાં આવ્યું ત્યારે..
મજાની વાત તો એ છે કે યુવક વીડિયોમાં પોતાના મોબાઈલમાં ફોટો બતાવી કહે છે કે, ધારાસભ્યનો છોકરો છું પણ તે ફોટો તો કોર્પોરેટરનો નીકળ્યો.. આવી માહિતી સામે આવી છે. બામરોલી ઉધના નોર્થના કોર્પોરેટર પરેશ પટેલનો ફોટો એ હતો. આ વીડિયો વાયરલ થયા બાદ પરેશ પટેલે ખુલાસો કર્યો છે કે, બસ કંડકટર સાથે અશોભનીય વર્તન કરનાર યુવક સાથે મારે કોઈ સંબંધ નથી. આ વાયરલ વીડિયો મારી પાસે પણ આવ્યો હતો અને મારા દ્વારા મ્યુનિસિપલ કમિશનરને આ બાબતે કાર્યવાહી કરવા માટે પણ જાણ કરી દીધી છે. તો હવે આ યુવક સાથે શું થાય છે તે જોવાનું રહ્યું.