સમગ્ર દેશમાં દિવાળી પર્વની ઉજવણી થઈ રહી છે. અલગ અલગ જગ્યાઓ પર દિવાળીના તહેવારને લઈ વિશેષ આયોજન કરવામાં આવતું હોય છે. રાજકીય નેતાઓએ નવા વર્ષની શુભકામના પાઠવી છે. ગુજરાતમાં પણ નવા વર્ષની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી રહી છે. ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે વિવિધ મંદિરોમાં દર્શન કરી નવા વર્ષની શરૂઆત કરી છે. તો સી.આર.પાટીલે પણ નવા વર્ષની ઉજવણી કરી છે. નવા વર્ષની ઉજવણી દરમિયાન સી.આર,પાટીલે કાર્યકરો તેમજ લોકોને નૂતન વર્ષની શુભેચ્છા પાઠવી છે. સાથે જ ભાજપ પ્રદેશ અધ્યક્ષે લોકસભાની ચૂંટણીને લઈ હુંકાર ભર્યો છે. સી.આર.પાટીલે તમામે તમામ સીટો જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
અમિત શાહ અને મુખ્યમંત્રીએ કરી નવા વર્ષની ઉજવણી
2024માં લોસભાની ચૂંટણી યોજાવાની છે. દરેક પાર્ટી દ્વારા લોકસભાની ચૂંટણીને લઈ તૈયારીઓ કરવામાં આવી રહી છે. ચૂંટણી પ્રચારનો ધમધમાટ પણ થોડા સમય બાદ શરૂ થઈ જશે. આજે નવા વર્ષની ઉજવણી સમગ્ર દેશમાં થઈ રહી છે. નેતાઓએ તેમજ રાજનેતાઓએ નવા વર્ષની શુભકામના પાઠવી છે. નવા વર્ષ નિમિત્તે અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે. એક કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગળે મળ્યા હતા અને નવા વર્ષની શુભકામના પાઠવી હતી. તે સિવાય ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે પણ નવા વર્ષની ઉજવણી કરી હતી અને એક આશા વ્યક્ત કરી હતી.
26 બેઠકો જીતીને હેટ્રિક કરવાની છે - સી.આર.પાટીલ
સી.આર.પાટીલે જણાવ્યું કે નવું વર્ષ એક નવી આશા સાથે, નવા ઉમંગ સાથે, નવી ઇચ્છાપૂર્તિના એક સંકલ્પ સાથે આપણે આગળ વધતાં હોઇએ છે. હું ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓને, શુભેચ્છક મિત્રોને, સૌ આગેવાનોને વિનંતી કરુ છુ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આવનારી લોકસભાની ચૂંટણીમાં આપણે ગુજરાતની 26 સીટો, જે પહેલા પણ બે વાર આપ સૌ જીત્યા છો, ત્રીજી વાર પણ ગુજરાતના સૌ મતદાતા ભાઇ-બહેનોના સહકાર અને આશીર્વાદ સાથે 26-26 બેઠકો જીતીને હેટ્રિક કરવાની છે.