રાજ્યમાં હાલ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. સવારે તેમજ રાત્રીના સમયે ઠંડીનો અનુભવ થાય છે જ્યારે બપોરના સમયે ગરમીનો અહેસાસ થાય છે. થોડા સમય પહેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે કમોસમી વરસાદ પણ પડ્યો હતો. ગરમી હોવાને કારણે બપોરના સમયે ઉનાળો ચાલતો હોય તેવું લાગે છે. ત્યારે એવું માનવામાં આવી રહ્યું છે કે ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયામાં ઠંડીનું જોર વધી શકે છે.
ડિસેમ્બરના અંતિમ સપ્તાહમાં વધશે ઠંડીનું જોર
સામાન્ય રીતે ડિસેમ્બરમાં ઠંડીનું જોર વધી જતું હોય છે. પરંતુ આ વખતે ડિસેમ્બરમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. તાપમાનમાં પણ ઘટાડો નોંધાઈ નથી રહ્યો. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે કમોસમી વરસાદ પણ વરસ્યો હતો. હાડકા થીજી જાય તેવી ઠંડીનો અહેસાસ હાલ નથી થઈ રહ્યો. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયામાં તાપમાનનો પારો ગગડી શકે છે. જેને કારણે ઠંડીનો અહેસાસ થશે.
દિવસ દરમિયાન થાય છે ગરમીનો અહેસાસ
હવામાન વિભાગની આગાહી પ્રમાણે આવનાર દિવસોમાં લઘુત્તમ તાપમાન ઘટી શકે છે. અમદાવાદમાં આગામી 3 દિવસ સરેરાશ મહત્તમ તાપમાન અંદાજીત 34 ડિગ્રી રહેશે જ્યારે સરેરાશ લઘુત્તમ તાપમાન 18ની આસપાસ રહેશે. તાપમાનમાં ઘટાડો ન થવાથી દિવસ દરમિયાન ગરમીનો અહેસાસ થાય છે.