ગુરૂવારે વડોદરામાં એક દુર્ઘટના સર્જાઈ હતી. હરણી લેકમાં પીકનીક મનાવા ગયેલા બાળકોના મોત નિપજ્યા. 14 જેટલા બાળકો ઉપરાંત શિક્ષકોના મોતના સમાચાર સાંભળી લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. માતા પિતાએ પોતાના બાળકોને પિકનીક કરવા મોકલેલા હતા પરંતુ તેમના બાળકનો મૃતદેહ ઘરે આવ્યો. દરેક જગ્યા પર આની ચર્ચાઓ થઈ રહી હતી. દોષનો ટોપલો બધા એક બીજા પર ઢોળવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. આ બધા વચ્ચે એવા સમાચાર સામે આવ્યા છે કે આ મામલાને લઈ સુપ્રીમ કોર્ટમાં જાહેરહીતની અરજી દાખલ કરવામાં આવી છે. આ પીઆઈએલ એ એડવોકેટ દ્વારા દાખલ કરવામાં આવી છે જે વકીલ મોરબી બ્રિજ દુર્ઘટના પીડિતોનો કેસ લડી રહ્યા છે.
શાળાના સંચાલકે દોષનો ટોપલો બોટવાળા પર ઢોળ્યો!
વડોદરાની કરૂણાંતિકા મામલે તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. એસઆઈટીની રચના પણ કરવામાં આવી છે, આરોપીઓ વિરૂદ્ધ એફઆઈઆર પણ દાખલ કરવામાં આવી છે. આ દુર્ઘટના માટે કોણ જવાબદાર તે અંગેની તપાસ એસઆઈટી દ્વારા કરવામાં આવશે. શાળાના સંચાલકો દ્વારા આ મામલે પ્રતિક્રિયા આપવામાં આવી હતી જેમાં તેમના કહેવાનો મતલબ હતો કે શાળાના શિક્ષકો તો વધારે બાળકોને ન બેસાડવા માટે કહી રહ્યા હતા પરંતુ બોટવાળાએ બાળકોને બેસાડ્યા. આ મામલે એવી પણ માહિતી સામે આવી કે પિકનીક અંગેની પરમિશન લેવામાં આવી ન હતી.
કડક કાર્યવાહી કરવા માટે અપાયા છે આદેશ
આ મામલે કડક કાર્યવાહી કરવામાં આવે તેવો આદેશ સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા આપવામાં આવ્યો છે. આ મામલામાં જે લોકો દોષિ છે તેમને છોડવામાં નહીં આવે તેવો આદેશ આપવામાં આવ્યો છે પરંતુ આગામી સમયમાં શું કાર્યવાહી કરવામાં આવે છે તેની પર સૌ કોઈની નજર છે. પરંતુ આ મામલે નવી અપડેટ સામે આવી છે કે સુપ્રીમ કોર્ટમાં જનહીત અરજી કરવામાં આવી છે.
આ લોકો સામે પગલા લેવા પીઆઈએલમાં કરાઈ અપીલ
સુપ્રીમ કોર્ટમાં જે વકીલે પીઆઈએલ દાખલ કરી છે તે એડવોકેટ ઉત્કર્ષ દવે છે. મોરબી બ્રિજ દુર્ઘટના કેસમાં 112 પીડિત પરિવારો વતી જે વકીલ કેસ લડી રહ્યા છે તેમણે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે કે આ ન્યુ સનરાઈઝ સ્કૂલના પ્રિન્સિપાલ, ટ્રસ્ટીઓ, વડોદરા કલેક્ટર તેમજ વડોદરા મ્યુનિસિપલ કમિશ્નર સામે પગલા લેવામાં આવે તે માટેની અરજી સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી છે. અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે તંત્રની બેદરકારીથી નિર્દોષ બાળકોના મોત થયા છે.