રાજ્યમાં અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. અનેક લોકો અકસ્માતનો ભોગ બનતા હોય છે. ત્યારે સુરતમાં વધુ એક અકસ્માતનો કિસ્સો બન્યો છે જેમાં પોતાના લગ્નની કંકોત્રી વહેચવા નીકળેલા યુવક કાળનો કોળિયો બન્યો છે. પરવત પાટીયા ફ્લાય ઓવરબ્રિજ પર સિમેન્ટ ભરેલા ટ્રકે યુવકને હડફેટે લીધો છે. થોડા દિવસો બાદ યુવકના લગ્ન થવાના હતા. મોતને ભેટતા પરિવારમાં શોકની લાગણી વ્યાપી ઉઠી છે.
સારવાર દરમિયાન યુવકનું થયું મોત
એક્સિડન્ટને કારણે અનેક લોકો મોતને ભેટતા હોય છે. અકસ્માતમાં અનેક લોકોને ઈજા પહોંચતી હોય છે ત્યારે સુરતમાં એક અકસ્માતની ઘટના બની છે જેમાં 26 વર્ષીય યુવકનું મોત થઈ ગયું છે. જે વ્યક્તિનું મોત થયું છે તેના થોડા દિવસો બાદ લગ્ન થવાના હતા. સંબંધિઓને પોતાના લગ્નની કંકોત્રી વહેચવા નીકળેલા જીતેન્દ્રને કાળ ભરખી ગયો છે. પરવત પાટીયા ફ્લાય ઓવરબ્રિજ પર સિમેન્ટ ભરેલા ટ્રકે શુક્રવારે તેને અડફેટે લીધો હતો. તાત્કાલિક સારવાર માટે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન એક પગ કાપવો પડ્યો હતો પરંતુ ટૂંકી સારવાર બાદ તેનું મોત નિપજ્યું હતું. આ દુર્ઘટનાને કારણે પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
સીસીટીવી ફૂટેજ આવ્યા સામે
સુરતમાં દિવસ દરમિયાન ભારે વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પરંતુ અનેક વખત રસ્તાઓ પર ફરતા ભારે વાહનોને કારણે ગોઝારા અકસ્માત સર્જાતા હોય છે. ત્યારે સુરતમાં બનેલી આ ઘટનામાં જ્યાં થોડા દિવસો બાદ લગ્નની શરણાઈ વાગવાની હતી ત્યાં હવે માતમ છવાઈ ગયો છે. કાળ બનેલી ટ્રકે યુવકનો ભોગ લીધો હતો. પરવત પાટિયા ફ્લાય ઓવરબ્રિજ પર સર્જાયેલા ગોઝારા અકસ્માતના સીસીટીવી ફુટેજ સામે આવ્યા છે. પોલીસે આ અંગે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.