આપણે ત્યાં અંગદાનને મહાદાન કહેવામાં આવે છે. અનેક એવા પરિવાર હોય છે જે અંગદાનમાં માને છે. મૃતક વ્યક્તિના અંગોથી બીજી અનેક જીંદગીને જીવનદાન મળશે તે માનીને અંગદાન કરે છે. ત્યારે સુરત શહેરનો એક કિસ્સો ઘણો ચર્ચામાં છે. કારણ કે થોડા દિવસ પહેલા સ્વર્ગવાસી થયેલી મહિલાની દીકરીનાં લગ્ન યોજાયાં હતા. આ લગ્નમાં મૃતક મહિલાનું અંગ મેળવનાર મહિલાએ ‘માતા’ બની સ્વર્ગવાસી મહિલાની પુત્રીનું કન્યાદાન કર્યું હતું. દીકરીને માતાની કમી ના સારે અને માતાના હોવાનો અહેસાસ થાય તે માટે તે મહિલા માતા બની ત્યાં હાજર હતી.
અંગ મેળવનાર મહિલાએ કર્યું દીકરીનું કન્યાદાન
અનેક એવા પરિવાર છે જે અંગદાનમાં માને છે. ભલે તેમણે પોતાના સ્વજનને ગુમાવ્યા પરંતુ કોઈ બીજા પોતાના પરિવારના સ્વજનને ના ગુમાવે તેવી આશા રાખે છે. ત્યારે સુરતથી એક ઈમોશનલ કરી દે તેવો કિસ્સો સામે આવ્યો છે. સુરતના એક પરિવારે 54 વર્ષીય એક સ્વર્ગીય મહિલાનું અંગદાન ચાર વર્ષ પહેલા કર્યું હતું. પરંતુ જ્યારે તે સ્વર્ગવાસી મહિલાની દીકરીના લગ્ન હતા ત્યારે તે મહિલાએ દીકરીનું કન્યાદાન પોતાના હસ્તે કર્યું હતું.
મહિલાનું બ્રેઈન ડેડ થઈ જતાં કર્યું અંગદાન
ડોક્ટરે મહિલાને બ્રેઈન ડેડ જાહેર કરી દીધા બાદ મહિલાના અંગને જરૂરિયાતમંદ લોકોને દાન આપવામાં આવ્યા હતા. આ મહિલાને કિડની દીકરીના માતાની કીડની આપવામાં આવી હતી. બાથરૂમમાં પડી જવાને કારણે રાધેકિરણ બહેન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા પરંતુ તેમનું બ્રેનડેડ થઈ ગયું હતું. જે બાદ પરિવારે રાધેકિરણ બહેનનું હૃદય, ફેફસાં, કિડની તેમજ આંખોનું દાન કર્યું હતું. અંગદાન કરી 6 વ્યક્તિઓને નવું જીવનદાન આપ્યું હતું.
માતાની ખોટ ન સારે તે માટે આપી લગ્નમાં હાજરી
ત્યારે થોડા સમય પહેલા રાધેકિરણ બહેનની દીકરીના લગ્ન હતા. ત્યારે લગ્નમાં કિડની મેળવનાર મહિલા પણ ઉપસ્થિત હતા. જે મહિલાને કિડની આપવામાં આવી તેમનું નામ જ્યોત્સનાબેન છે. બંને પરિવાર સંપર્કમાં આવ્યા. રાધેકિરણ બહેનની દીકરીના લગ્નમાં જ્યોત્સના બહેનના પરિવારને આમંત્રણ આપવામાં આવ્યું હતું. અને લગ્નમાં તેમણે હાજરી પણ આપી હતી. દીકરીના પરિવારે જ્યારે જ્યોત્સના બહેનને વિધી કરવા માટે કહ્યું ત્યારે તેઓ તરત માની ગયા અને પોતે વિધી કરી હતી. તેમણે દીકરીનું કન્યાદાન કર્યું હતું. દીકરી ક્રિષ્નાને એવી અનુભૂતિ થઈ જાણે તેની માતા પોતે ત્યાં હાજર હોય. લગ્ન પ્રસંગ દરમિયાન જે દ્રશ્યો સર્જાયા હતા તે ભાવુક કરી દે તેવા છે.