ઉત્તરાયણના પર્વને ગણતરીના કલાકો બાકી રહ્યા છે. પતંગની દોરીને કારણે અનેક લોકોના જીવ ગયા છે. દોરીને કારણે અનેક લોકોના ગળા કપાઈ જતા હોય છે. ત્યારે સુરતમાં અનેક વર્ષો પહેલા મિત્રનું મોત પતંગની દોરીને કારણે થયું હતું. ત્યારે પતંગની દોરીને કારણે અન્ય કોઈ વ્યક્તિનું મોત ન થાય તે માટે મિત્રની યાદમાં લોકોના ગળા પર સેફટી બેલ્ટ બાંધવામાં આવી રહ્યા છે.
પતંગની દોરીને કારણે લોકોના જતા હોય છે જીવ
મકરસંક્રાંતિ દરમિયાન અનેક કિસ્સાઓ એવા સામે આવતા હોય છે જેમાં પતંગની દોરીને કારણે લોકોના મોત થઈ જતા હોય છે. અકસ્માતનો ભોગ અનેક લોકો બનતા હોય છે. ઉત્તરાયણના દિવસો દરમિયાન આવી અનેક ઘટનાઓ સામે આવતી હોય છે. સારવાર મળતા કોઈનો જીવ બચી જતો હોય છે તો કોઈ મોતને પણ ભેટતા હોય છે.
પતંગની દોરીને કારણે ગુમાવ્યો હતો મિત્ર
પતંગની દોરીથી કોઈનો જીવ ન જાય તે માટે સુરતમાં લોકોને સેફ્ટી બેલ્ટ બાંધવામાં આવી રહ્યા છે. જે લોકો આ માનવીય કાર્ય કરી રહ્યા છે તેમણે પતંગની દોરીને કારણે 20 વર્ષ પહેલા પોતાના મિત્રને ગુમાવી દીધો હતો. તેમના મિત્ર જ્યારે ઓવરબ્રિજ પરથી પસાર થતા હતા તે દરમિયાન અકસ્માત સર્જાયો હતો જેમાં તેમનું મોત થઈ ગયું હતું. અન્ય કોઈ વ્યક્તિ પતંગની દોરીને કારણે પોતાનો જીવ ન ગુમાવે તે માટે ઉત્તરાયણના સમય દરમિયાન તેઓ લોકોને સેફ્ટી બેલ્ટ આપે છે.