ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ટેટ-ટાટના ઉમેદવારો માગ કરી રહ્યા છે કે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે. અનેક વખત રજૂઆત કરવાનો પ્રયત્ન પણ ઉમેદવારો દ્વારા કરવામાં આવ્યો હતો પરંતુ દર વખતે તેમને ગાંધીનગર પહોંચતા પહેલા રોકી દેવામાં આવતા હતા. ઉમેદવારોના સમર્થનમાં અનેક ધારાસભ્યો તેમાં પણ ભાજપના ધારાસભ્યો આવ્યા છે ત્યારે હવે ઉમેદવારોના સમર્થનમાં ગુજરાત કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ આવ્યા છે. કરાર આધારિત ભરતીને નાબુદ કરવામાં આવે તે રજૂઆત તેમણે કરી હતી.
ભાજપના અનેક ધારાસભ્યોએ લખ્યો શિક્ષણમંત્રીને પત્ર
વિદ્યાર્થીઓના જીવનમાં શિક્ષકોનું અલગ એક વિશેષ સ્થાન રહેલું હોય છે. ગુજરાતમાં શિક્ષણની પરિસ્થિતિ દિન પ્રતિદિન લથડતી જઈ રહી છે. શિક્ષકોની ઘટ અનેક શાળાઓમાં વર્તાઈ રહી છે. ત્યારે શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી ટેટ ટાટના ઉમેદવારોની માગ છે. કરાર આધારિત ભરતીનો ઉમેદવારો વિરોધ કરી રહ્યા છે. ઉમેદવારોના સમર્થનમાં અનેક ધારાસભ્યો આવ્યા છે. ભાજપના અનેક ધારાસભ્યોએ શિક્ષણ મંત્રીને પત્ર લખી આ મુદ્દે રજૂઆત કરી છે. તે ઉપરાંત કોંગ્રેસના પણ અનેક ધારાસભ્યો ઉમેદવારોના સમર્થનમાં આવ્યા છે.
શક્તિસિંહ ગોહિલ આવ્યા ઉમેદવારોના સમર્થનમાં
થોડા સમય પહેલા કોંગ્રેસના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ ઉમેદવારો માટે આંદોલન કરવાની જાહેરાત કરી હતી તો યુવા નેતા યુવરાજસિંહ જાડેજા પણ ઉમેદવારોના સમર્થનમાં આવ્યા છે. ત્યારે પ્રતિદિન આ જ્ઞાન સહાયકનો મુદ્દો ઉગ્ર બની રહ્યો છે ત્યારે આજે ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે પણ કરાર આધારિત ભરતી નાબુદ થાય તેવી રજૂઆત કરી હતી, તેવી માગ કરી હતી. મહત્વનું છે કે ઉમેદવારો ઘણા સમયથી આ માગ કરી રહ્યા હતા. સત્તાધીશોને અનેક વખત આ અંગે રજૂઆત કરી પરંતુ તેમની માગ સ્વીકારવામાં આવતી ન હતી. ત્યારે જોવું એ રહ્યું છે કે ઉમેદવારોની આ લડાઈ ક્યાં સુધી જશે તે એક પ્રશ્ન છે.