ચૈતર વસાવા વિરૂદ્ધ જ્યારથી પોલીસ ફરિયાદ થઈ છે ત્યારથી અનેક વખત તેમની ચર્ચાઓ નેતાઓ, સમાજના આગેવાનો દ્વારા કરવામાં આવી રહી છે. થોડા સમય પહેલા મનસુખ વસાવાએ આડકતરી રીતે ચૈતર વસાવા પર શાબ્દિક પ્રહારો કર્યા હતા ત્યારે આ વખતે આદિવાસી આગેવાન રેશ્મા વસાવાએ મનસુખ વસાવા પર પ્રહાર કર્યા છે. રેશ્મા વસાવાએ (મનસુખ વસાવા માટે) કહ્યું કે તમે આદિવાસી નેતા હોવ તો 5 કામ બતાવો નહિ તો મનસુખ વસાવાથી મનસુખ મોદી થઈ જાવ.
ચૈતર વસાવા પર નામ લીધા વગર મનસુખ વસાવાએ કર્યા પ્રહાર
ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે ત્યારથી તે ફરાર છે. ચૈતર વસાવાના સમર્થનમાં અનેક નેતાઓ આવ્યા છે. ત્યારે આદિવાસી આગેવાન રેશ્મા વસાવા ચૈતર વસાવાના સમર્થનમાં આવ્યા છે અને તેમણે મનસુખ વસાવા પર પ્રહાર કર્યા છે. થોડા દિવસ પહેલા જ મનસુખ વસાવા એક કાર્યક્રમમાં સભા સંબોધતા ચૈતર વસાવા પર નામ લીધા વગર આક્ષેપો કર્યા હતા.
રેશ્મા વસાવાએ કહી દીધી આ વાત!
તે લોકોને એવું કહેતા હતા કે ભાજપ સરકારે આ-આ કામ કર્યા છે અને અમુક નેતાઓ એટલે ચૈતર વસાવા માત્ર યુવાનોને ઉશ્કેરવાનું જ કામ કરે છે, જેનો જવાબ રેશ્મા વસાવાએ આપ્યો છે. રેશ્મા વસાવાએ મનસુખ વસાવા સામે લાલ આંખ કરી છે અને કહ્યું કે તમે આદિવાસી નેતા હોવ તો 5 કામ બતાવો નહિ તો મનસુખ વસાવાથી મનસુખ મોદી થઈ જાવ.
જો આટલું ધ્યાન મણિપર પર આપ્યું હોત તો...
જોકે થોડા દિવસ પહેલા પણ રેશ્મા વસાવાનો એક આવો જ વીડિયો સામે આવ્યો હતો જેમાં તે ચૈતર વસાવાનાં કેસ પર રણચંડી બન્યાં હતાં. તેમણે કહ્યું હતું કે ચૈતર વસાવા સામે જેટલી જલ્દી કાર્યવાહી થાય છે એટલું ધ્યાન જો મણિપુરમાં આપ્યું હોત તો આ ન થાત. મહત્વનું છે કે ચૈતર વસાવાના સમર્થનમાં અનેક આદિવાસી આગેવાનો આવ્યા છે.
આવા નિવેદનો સાંભળવા માટે રહેવું પડશે તૈયાર
મહત્વનું છે કે લોકસભાની ચૂંટણી હવે નજીક આવી રહી છે. એવી પણ ચર્ચાઓ થઈ રહી છે કે ચૈતર વસાવા લોકસભા ચૂંટણી લડી શકે છે. એમ પણ વસાવા Vs વસાવાનો જંગ ત્યાં અનેકવાર જોવા મળતો હોય છે. હવે ભરૂચમાં લોકસભા ચૂંટણી સુધી જબરજસ્ત રસાકસીનો માહોલ હશે અને આવા શાબ્દિક વાર અને પ્રહારો સાંભળવા આપણે ટેવાઈ જવું પડશે.