ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના મોટા નેતાઓ ગુજરાતમાં સભા ધમરોળી રહ્યા છે તેની વચ્ચે રાહુલ ગાંધીએ રાજકોટમાં મોરબી બ્રિજ તૂટવાની દુર્ઘટનાને યાદ કરી હતી. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે મોરબી દુર્ઘટનાના મોટા લોકોના ભાજપ સાથે સારા સંબંધ છે માટે તેમની સામે કોઈ કાર્યવાહી નથી કરાઈ, પોલીસ ફરિયાદ નથી કરાઈ.
ચૂંટણીમાં મોરબી કરુણાંતિકાની એન્ટ્રી
રાહુલ ગાંધીએ સુરત મહુવા અને રાજકોટમાં સભા સંબોધી કોંગ્રેસ માટે પ્રચાર કર્યો હતો. રાજકોટમાં તેમણે મોરબી દુર્ઘટના વિશે વાત કરતા જણાવ્યું હતું કે, મોરબી દુર્ઘટના થઈ ત્યારે ઘણા પત્રકારોએ મને પૂછ્યું હતું કે આ મામલે તમે શું વિચારો છો? ત્યારે મેં કહ્યું હતું કે 150 લોકોના મોત થયા છે. આ રાજકારણનો મુદ્દો નથી. આ મામલે હું કંઈ નિવેદન નહીં આપું. પણ સવાલો ઉઠે છે આજે પણ ઉઠે છે કે જેમણે આ કામ કર્યું તેમની સામે કોઈ કાર્યવાહી નહીં? તેમની સામે પોલીસ ફરિયાદ પણ નથી કરવામાં આવી. ભાજપ સાથે તેમના સારા સંબંધો છે તો તેમનું કંઈ નહીં થાય? ચોકીદારોને પકડી લીધા છે, જેલમાં નાખી દીધા છે. પણ જે જવાબદાર છે તેમની સામે કંઈ નહીં થાય?
મોરબી દુર્ઘટના ગુજરાત માટે કાળા ડાઘ સમાન હતી. ગુજરાતના ઈતિહાસમાં મોરબી દુર્ઘટના લખાઈ ગઈ છે. આજે સુપ્રીમ કોર્ટમાં પણ મૃતકના પરિજન દ્વારા અરજી કરવામાં આવી હતી જેને સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઈકોર્ટે નોંધ લીધી છે તેવું કહીને ટાળી હતી. મોરબી દુર્ઘટનામાં મોટા લોકો સામે હજુ પણ કાર્યવાહી નથી કરવામાં આવી તે પણ નગ્ન સત્ય છે. સુપ્રીમ કોર્ટે પણ આ મામલે નોંધ લીધી હતી અને હાઈકોર્ટને મુદ્દાની ગંભીરતા સમજીને અમુક મુદ્દાઓ પર યોગ્ય કાર્યવાહી કરવા જણાવ્યું હતું.