વિદ્યાર્થીઓમાં તેમજ યુવાનોમાં હાર્ટ એટેક આવવાના કિસ્સો કોરોના બાદ વધ્યા છે તેવા સમાચાર પ્રતિદિન તમારા સુધી આવી રહ્યા છે. ઘણા સમયથી એવો દિવસ નહીં ગયો હોય જ્યારે હાર્ટ એટેકને કારણે કોઈનું મોત નહીં થયું હોય. હાર્ટ એટેકના કિસ્સોમાં થતો ધરખમ વધારો ચિંતાજનક છે. એક તરફ યુવાનોને હાર્ટ એટેક આવી રહ્યો છે તો બીજી તરફ શાળામાં ભણતા વિદ્યાર્થીઓને પણ હાર્ટ એટેક આવી રહ્યો છે. આ વાત અમે એટલા માટે કરી રહ્યા છીએ કારણ કે રાજકોટમાં 15 વર્ષીય કિશોરનું મોત હૃદય હુમલાને કારણે થયું છે. મળતી માહિતી મુજબ મૃતકનું નામ પૂજન ઠુમ્મર છે.
15 વર્ષીય કિશોરને આવ્યો હાર્ટ એટેક અને થઈ ગયું મોત
કોરોના બાદ હાર્ટ એટેકના કિસ્સા યુવાનોમાં વધ્યા છે. પહેલા વડીલોને હાર્ટ એટેક આવતો હતો તેવું વિચારતા હતા, પરંતુ કોરોના બાદ સીન બદલાયો. યુવાનોમાં હાર્ટ એટેક આવવાના કિસ્સાઓ વધવા લાગ્યા. યુવાનો તો શિકાર બની રહ્યા છે હાર્ટ એટેકના પરંતુ વિદ્યાર્થીઓ પણ મોતને ભેટી રહ્યા છે. થોડા દિવસો પહેલા પણ શાળામાં ભણતા વિદ્યાર્થીઓના મોત હાર્ટ એટેકને કારણે થયા હોય તેવા સમાચાર સામે આવ્યા હતા. ત્યારે વધુ એક વિદ્યાર્થીએ પોતાનો જીવ હાર્ટ એટેકને કારણે ગુમાવ્યો છે. રાજકોટમાં 15 વર્ષીય કિશોરનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે. મળતી માહિતી મુજબ મૃતક પોતાના પિતા સાથે વાળ કપાવવા માટે જઈ રહ્યો હતો. બાઈક પર બેઠો પરંતુ રસ્તામાં તે અચાનક ઢળી પડ્યો. તાત્કાલિક સારવાર માટે કિશોરને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો પરંતુ તેનું પ્રાણ પંખેરૂ ઉડી ગયું હતું.
શિક્ષકોને અપાશે સીપીઆર ટ્રેનિંગ
જે કિશોરનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે તે હૈદરાબાદમાં અભ્યાસ કરતો હતો. આજે તે હૈદરાબાદ પરત ફરવાનો હતો પરંતુ તે પહેલા તે અનંતની યાત્રાએ નિકળી ગયો. નાની વયે પુત્રને ગુમાવતા પરિવારમાં શોકની લાગણી પ્રવર્તિ ઉઠી છે. મહત્વનું છે કે હાર્ટ એટેકે ચિંતા વધારી છે. વિદ્યાર્થીઓમાં વધતા હાર્ટ એટેકના કિસ્સાઓને કારણે શિક્ષકોને સીપીઆરની ટ્રેનિંગ આપવામાં આવશે. હાર્ટ એટેકના વધતા કિસ્સાઓને કારણે ચિંતા વધી છે.