ગુજરાતના ભાવિ શિક્ષકો જ્ઞાન સહાયકનો વિરોધ કરી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી તેમની માગ છે કે કરાર આધારિત ભરતી નાબુદ થાય અને શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે. પોતાની માગ તેમણે સરકાર સમક્ષ રજૂ કરવાનો અનેક વખત પ્રયત્ન કર્યો પરંતુ સરકાર પોતાના નિર્ણય પર મક્કમ દેખાઈ રહી છે. ટેટ-ટાટ ઉમેદવારોનો અવાજ સરકાર સુધી પહોંચી નથી રહ્યો. અનેક વખત અનોખા અંદાજમાં તેમણે જ્ઞાનસહાયકનો વિરોધ દર્શાવ્યો હતો. મુખ્યમંત્રી,શિક્ષણ મંત્રીને તો પત્ર લખી જ્ઞાન સહાયક રદ્દ કરવામાં આવે તેવી રજૂઆત કરી હતી.
ગાંધીનગર સત્યાગ્રહ છાવણીમાં ઉમેદવારો કરશે હલ્લાબોલ!
પત્ર લખી રજૂઆત કરી પરંતુ તેમના પ્રશ્નનો ઉકેલ આવ્યો નહીં. બપોરે ત્રણ વાગ્યાની આસપાસ ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ઉમેદવારો આંદોલન કરવાના છે. યાત્રા દરમિયાન અનેક એવા વીડિયો આવ્યા જેમાં ઉમેદવારોએ શિક્ષણ મંત્રી હાય હાયના નારા લગાવ્યા. શિક્ષણ મંત્રીની સંવેદનાઓ મરી ગઈ છે જેને લઈ ઉમેદવારોએ તેમની સંવેદનાઓનું બેસણું યોજ્યું હતું.
જ્ઞાન સહાયકના વિરોધમાં આવી રાજકીય પાર્ટી
ગુજરાત સરકારે તેમની વાત ન સાંભળી ત્યારે તેમણે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને દેશના વર્તમાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પણ પત્ર લખી ઉમેદવારે પોતાની વાતની રજૂઆત કરી. પરંતુ ત્યાંથી ઉમેદવારને નિરાશા મળી. ત્યારે અલગ અલગ રીતે તેમણે આંદોલન કરી સરકાર દ્વારા લાવવામાં આવેલા જ્ઞાન સહાયક યોજનાનો વિરોધ કર્યો. હનુમાનજીને, શંકર ભગવાન સહિત અનેક ભગવાનને તેમણે પત્ર લખી રજૂઆત કરી. પરંતુ તેમનો અવાજ સાંભળવામાં આવ્યો ન હતો. જ્ઞાન સહાયકનો વિરોધ વધતો ગયો અને ઉમેદવારોના સમર્થનમાં રાજકીય પાર્ટીઓ આવી, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે જ્ઞાન સહાયકના વિરોધમાં ધરણા કર્યા અને રેલીનું આયોજન પણ કર્યું.
આ લડાઈનું શું પરિણામ આવશે તેની પર સૌ કોઈની નજર!
આમ આદમી પાર્ટીએ દાંડી યાત્રા 2.0નું આયોજન કર્યું. ગાંધીજીએ અમદાવાદથી દાંડી યાત્રા નિકાળી હતી જ્યારે જ્ઞાન સહાયકના ઉમેદવારોએ ઉંધી દાંડી યાત્રાનું આયોજન કર્યું છે. દાંડીથી નિકળેલી યાત્રા આજે ગાંધીનગરમાં હલ્લાબોલ કરવાની છે. સત્યાગ્રહ છાવણી ખાતે મહા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. જ્ઞાન સહાયકના વિરોધમાં અનેક ઉમેદવારો આવ્યા છે. મહા સંમેલનમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા, યુવરાજસિંહ તેમજ અનેક નેતાઓ, ઉમેદવારો ગાંધીનગરમાં સરકારને ઘેરવાનો પ્રયત્ન કરશે. જ્ઞાન સહાયકના વિરોધમાં શરૂ થયેલી યાત્રા સરકારના નિર્ણયને બદલશે કે કેમ તે સમય બતાવશે...