પોરબંદર, બાપુનું જન્મસ્થળ, વર્ષો જતા લોહીયાળ અને માફીયાગીરી વાળી રાજનીતિનું સાક્ષી અને છેલ્લા કેટલાય સમયથી આજુબાજુનું બધું વિકસીત થઈ ગયા પછી પણ પોતે એકલું અટુલું મહેસુસ કરતું શહેર. આ શહેરને કુદરત અને ભુગોળે બધું જ આપ્યું છે. પણ સ્થાનિક રાજકારણ અને પાલીકાનો અણઘડ વહિવટ કેટકેટલું આપવાનું ચુકી જતો હશે કે જેના કારણે સ્થાનિકો કલેક્ટરની સાથે રહીને નગરપાલીકાના પ્રમુખને ઘેરી રહ્યા છે.


કલેક્ટરના મનાઈ હુકમ બાદ પણ બાંધકામ નથી રોકાયું
વાત શરૂ થાય છે ખીજળી પ્લોટથી, પાલિકાએ ઝાડી-ઝાંખરા હટાવીને ત્યાં જાહેર શૌચાલય બનાવવાનું શરૂ કર્યું. બાપુનું શહેર છે, શૌચાલય અને સ્વચ્છતાથી કોઈને પણ શું વાંધો હોઈ શકે. પણ એ શૌચાલયનું બાંધકામ એ રીતે થઈ રહ્યા હતા જેથી વર્ષોથી ત્યાં વસતા સ્થાનિકોને ભાગે દરવાજો ખોલે તો શૌચાલય અને અપેક્ષીત રીતે જ એની જાળવણીના અભાવે ફેલાતી ગંદકી અને દુર્ગંધ જ ભાગમાં આવે. અને એટલે જ શરૂ થયો પાલિકા અને સ્થાનિકોનો સંઘર્ષ. સ્થાનિકોએ કલેક્ટરને રજૂઆત કરી. સોમવારે કલેક્ટરે સ્થિતિ સમજીને મનાઈ હુકમ આપ્યો તો પોરબંદર પાલિકાના પ્રમુખનો ઈગો હર્ટ થયો એવું સ્થાનિકોએ કહ્યું. લોકોએ ત્યાં સુધી કહ્યું કે પોરબંદરમાં સ્થિતિ એ છે કે કુછ ભી કરને કા જયકાંત શીકરે કા ઈગો નહીં હર્ટ કરને કા. અને એના ચક્કરમાં કલેક્ટરના મનાઈ હુકમ પછી પણ બાંધકામ ચાલુ જ કરી દેવાયું.

ભાજપ પ્રત્યે લોકોની નારજગી હતી
આ વિષયમાં સ્થાનિકોએ ભેગા થઈને કન્ટેમ્ટપની ફરીયાદ તો આપી છે પણ સૌથી રસપ્રદ વાત છે પોરબંદરના રાજનીતિક સમિકરણ, એવું કહેવાયુ કે વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં પોરબંદરથી બાબુ બોખીરીયાના હારવાનું કારણ પણ પાલીકાના પ્રમુખ સરજૂ કારીયાનો વહિવટ અને એના કારણે લોકોની ભાજપ પરની નારાજગી હતી, આ વખતે પણ આ મામલે ખુલીને લડી રહેલા પોરબંદર ભાજપ યુવા મોરચાના નેતા છે. આમ ભાજપની જ યુવા પાંખ ભાજપની જ સામે લડે એ ચિત્રમાં સંગઠન અને સરકાર શું નિર્ણય કરે છે એ જોવાનું રહેશે.

કલેક્ટર અને નગરપાલિકાના પ્રમુખ વચ્ચે ચાલતો ઈગો
હજી સુધી અનેક વખત તમે એવું તો સાંભળ્યુ હશે કે અધિકારીઓ નેતાનું નથી ગાંઠતા, પણ નેતા માત્ર અહંકારના કારણે અધિકારીના કરેલા નિર્ણયની સામે પડીને એને ગણકારવાનું જ બંધ કરી દે તો...? સત્તામાં કલેક્ટર અને નગરપાલિકાના પ્રમુખ વચ્ચેનો આ સંઘર્ષ પોરબંદરના લોકોને ભોગવવો પડી રહ્યો છે.