પાકિસ્તાનની આર્થિક હાલત દિનપ્રતિદિન ખરાબ થઈ રહી છે. આર્થિક મામલે પાકિસ્તાન એકદમ પાછળ ધકેલાઈ ગયું છે. ત્યાંથી એવા દ્રશ્યો સામે આવ્યા હતા જેમાં લોકો ઘઉંના લોટ માટે પડાપડી કરતા નજરે પડ્યા હતા. ઘઉંના લોટને લઈ ગંભીર સંકટ ઉભું થઈ ગયું છે. લોકો લોટ માટે લૂંટ કરી રહ્યા છે. લોટ લેવા ભાગદોડ થઈ ગઈ હતી જેમાં અનેક લોકોના મોત પણ થઈ ગયા હતા. ભાગદોડમાં વ્યક્તિઓના મોત થવાને કારણે ખાદ્ય વિભાગના અધિકારી વિરૂદ્ધ કાર્યવાહી કરવાની માગ પણ કરી છે.
ઘઉંના લોટ માટે લોકો કરી રહ્યા છે પડાપડી
પાકિસ્તાનની આર્થિક પરિસ્થિતિ લથડી રહી છે. પાકિસ્તાનમાં લોટની માગ ઉઠી છે. ધી એક્સપ્રેસ ટ્રિબ્યૂનના જણાવ્યા મુજબ ઘઉંના ભાવ આસમાને પહોંચી ગયા છે. પ્રતિમણના ભાવ 5000 રુપિયે પહોંચ્યો છે. એક કિલોના ભાવ 150 જેટલો બોલાઈ રહ્યો છે. આ ભાવ રાવલપીંડીનો હતો. તે સિવાય પાકિસ્તાનના પંજાબ પ્રાંતના શહેરમાં 15 કિલો ઘઉંનો ભાવ 2250 રુપિયા પર પહોચ્યો છે. ભાવ આસમાને હોવાને કારણે અને સ્ટોક ન હોવાને કારણે લોકો લોટ લેવા પડાપડી કરી રહ્યા છે.
મોંઘવારી પહોંચી આસમાને
આટલી બધી મોંઘવારીને લઈ લોકો ત્રસ્ત થઈ ગયા છે અને રોડ પર આવી પ્રદર્શન કરી રહ્યા છે. મોઘવારી રોકવાની માગ કરી રહ્યા છે. આ મોંઘવારીએ જાણે તમામ રેકોર્ડ તોડી નાખ્યા હોય તેવું લાગી રહ્યું છે. સ્થાનિક મીડિયા દ્વારા મળતી માહિતી અનુસાર આ મોંઘવારી પાકિસ્તાનના ઈતિહાસમાં પહેલી વખત જોવા મળી છે. મોઘવારીને લઈ આંદોલન પણ શરૂ કરવામાં આવ્યું છે.
મોંઘવારીને લઈ લોકો કરી રહ્યા છે વિરોધ
એક તરફ મોંઘવારી વધી રહી છે તો બીજી તરફ લોટનો સ્ટોક પણ ખતમ થઈ ગયો છે. બલૂચિસ્તાનમાં ઘઉંનો સ્ટોક ખતમ થઈ ગયો છે. ત્યાંના ખાદ્યમંત્રીએ પ્રેસ કોન્ફરન્સ કરી આ અંગેની માહિતી આપી હતી. એક તરફ લોટની અછત અને એક તરફ સ્ટોક નથી. જેને કારણે લોટ લેવા એકબીજા સાથે મારામારી કરવા પર પણ ઉતરી આવ્યા છે. હિંસાના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે. આ ભાગદોડમાં 40 વર્ષીય મજદૂરનું મોત થઈ ગયું છે.