લોકશાહીમાં લોકોના કાર્યો કરવા એ સરકાર અને વહીવટી તંત્રની નૈતિક જવાબદારી છે. મતદાતા જ્યારે મતદાન કરે છે ત્યારે તે માને છે કે જ્યારે તેને સમસ્યા થશે તો તે પોતાની રજૂઆત સરકાર સમક્ષ રજૂ કરી શકે. ત્યારે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આજે લોકોના પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે રજૂઆત કરવામાં આવી છે. આ રજૂઆત એટલા માટે ખાસ છે કારણ કે આ રજૂઆત કોઈ સામાન્ય વ્યક્તિ કે વિપક્ષના કોઈ નેતા દ્વારા નહિ પરંતુ ભાજપના જ એક ધારાસભ્યે કરી છે. લોકસભા ચૂંટણીમાં સૌથી વધુ મતોની લીડના બદલામાં લોકોના પ્રશ્નો ઉકેલવા માટે ભાજપના જ ધારાસભ્ય દ્વારા આ રજૂઆત કરવામાં આવી છે.
પ્રાથમિક સુવિધાઓના અભાવે લોકોને પડે છે મુશ્કેલી
ગુજરાતને વિકસીત રાજ્ય માનવામાં આવે છે. નળથી જળ પહોંચે છે, સારા રસ્તાઓ છે તેવી વાત અનેક વખત સાંભળી હશે.. પરંતુ આ જ વિકસીત ગુજરાતના અનેક વિસ્તારો એવા છે જ્યાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળે છે. રાધનપુર-સાંતલપુર સમી પંથકમાં પીવાના પાણી સહિત પ્રાથમિક સુવિધાઓના અભાવે લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
આ વિસ્તારે 22 વર્ષમાં અનેક ધારાસભ્યો આપ્યા પરંતુ..
આ બાબતે સરકારમાં અનેક રજૂઆતો બાદ પણ પરિસ્થિતિમાં સુધારો ન આવતા છેવટે ભાજપના જ ધારાસભ્યે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે કે લોકસભા ચૂંટણીમાં આ વિસ્તારે પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ 34,706 મતોની ભાજપને લીડ આપી છે. ત્યારે હવે આ વિસ્તારના પ્રશ્નોનો ઝડપથી ઉકેલ લાવવા માંગ કરી છે. આ વિસ્તારે 22 વર્ષમાં ભાજપને ચાર ધારાસભ્યો શંકરભાઈ ચૌધરી, નાગરજી ઠાકોર, અલ્પેશ ઠાકોર અને લવિંગજી ઠાકોરને જીતાડ્યા છતાં લોકોની પાયાની સુવિધાઓ પણ હલ થઈ નથી.
મુખ્યમંત્રીને ભાજપના ધારાસભ્યે લખ્યો પત્ર
હાલના ભાજપના ધારાસભ્ય લવિંગજી ઠાકોરના વારાહીમાં બસ સ્ટેન્ડ બનાવવા, પીવાના પાણીની સમસ્યા હલ કરવા, સરકારી દવાખાનાઓમાં ડોક્ટરોનો અભાવ, સરકારી કોલેજો મંજૂર કરવા, કોલેજના મકાન બનાવવા, સિંચાઇ માટે નર્મદાનું નેટવર્ક વધારવા સહિતની અનેક રજૂઆતોના પત્રો સરકારમાં પડ્યા છે. છતાં આ વિસ્તારની પરિસ્થિતિમાં સુધારો ન આવતાં છેવટે લોકસભા ચૂંટણીના પરિણામ બાદ રાધનપુર ધારાસભ્ય લવિંગજી ઠાકોરે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે.
પત્રમાં શેનો છે ઉલ્લેખ?
પત્રમાં તેમણે ઉલ્લેખ કર્યો છે કે લોકસભા ચૂંટણીમાં રાધનપુર વિધાનસભા મત વિસ્તાર એ પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ 34,706 મતની ભાજપને લીડ આપી છે ત્યારે આ વિસ્તારના પીવાના પાણી, આરોગ્ય, શિક્ષણ, નર્મદા કેનાલ અને રોડ રસ્તા સહિતના મહત્વના પ્રશ્નોનો ઝડપથી ઉકેલ લાવવા માટે રાધનપુરની જનતા વતી તેમણે વિનંતી કરી છે... મહત્વનું છે કે ભાજપના અનેક નેતાઓ, ધારાસભ્યો દ્વારા આવા પત્રો લખવામાં આવી રહ્યા છે.