હવામાન વિભાગે રાજ્યના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી કરી હતી. જે આગાહી સાચી પણ પડી રહી છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડ્યો હતો જેને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. મહિસાગર જિલ્લામાં કમોસમી વરસાદ થયો હતો. તે ઉપરાંત બનાસકાઠામાં પણ અનેક જગ્યાઓ પર કમોસમી વરસાદ થયો હતો. અરવલ્લીના વાતાવરણમાં પણ પલટો આવ્યો હતો. અચાનક વરસાદ આવવાને કારણે ખેડૂતોને પાક નિષ્ફળ જવાનો ડર સતાવી રહ્યો છે.
ઉનાળાની શરૂઆતમાં જ આવ્યો કમોસમી વરસાદ
શિયાળાની વિદાય સત્તાવાર રીતે થઈ ગઈ છે. ઉનાળાની શરૂઆત થતાં જ આકરા તાપનો અહેસાસ થઈ રહ્યો છે. જેમ શિયાળાએ આ વખતે અનેક રેકોર્ડ તોડ્યા હતા તેવી રીતે ઉનાળાએ પણ ફેબ્રુઆરીમાં રેકોર્ડ તોડ્યો છે. ફેબ્રુઆરીમાં તાપમાને રેકોર્ડ બ્રેક કર્યો છે. આ બધા વચ્ચે હવામાન વિભાગે રાજ્યના અનેક જિલ્લાઓ માટે કમોસમી વરસાદની આગાહી કરી હતી. ચાર માર્ચથી છ માર્ચ સુધી વાતાવરણ વાદળછાયું રહી શકે છે. આગાહીને પ્રમાણે રાજ્યના અનેક જિલ્લાઓના વાતાવરણમાં પલટો આવ્યો છે.
જગતનો તાત બન્યો ચિંતિત
મહીસાગર જિલ્લાના લુણાવાડા, કડાણા અને સંતરામપુરમાં કમોસમી વરસાદ પડ્યો હતો. ઉપરાંત બનાસકાંઠાના પાલનપુરમાં પણ વરસાદ આવ્યો હતો. ઉપરાંત અરવલ્લીમાં વરસાદ વરસ્યો હતો. વાતાવરણમાં એકાએક પલટો આવતા જગતનો તાત ચિંતિત થયો છે. વરસાદ થવાને કારણે પાક બગડવાની ભીતી ખેડૂતો સેવી રહ્યા છે. બટાકા, ઘઉં, કપાસ જેવા પાકો બગડી શકે છે. ખેડૂતોને પડ્યા પર પાટું બાંધવા જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે.