મણિપુરમાં હિંસા ફાટી નીકળી છે. મેઈતી સમાજને એસટીનો દરજ્જો આપવામાં આવે તે માટે મેઈતી સમુદાયના લોકોએ બુધવારે રેલી યોજી હતી. મેઈતી સમુદાયના લોકોના વિરૂદ્ધમાં વિદ્યાર્થી સંગઠન ATSUMએ પણ રેલી કરી હતી. છેલ્લા 10 વર્ષથી મેઈતી સમાજના લોકો આ માગ કરી રહ્યા છે. આ માર્ચમાં હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. રેલી દરમિયાન બંને જૂથ વચ્ચે ઝપાઝપી થઈ હતી ઉપરાંત અનેક વાહનોને આગને હવાલે કરવામાં આવ્યા હતા. આ હિંસા ચુરાચંદપુર અને બિષ્ણુપુરમાં થઈ હતી. મળતી માહિતી અનુસાર હિંસા વધતા ઈંફાલ પશ્ચિમ, કાકચિંગ, થૌબલ, જિરિબામ, બિષ્ણુપુર, ચુરાચાંદપુર, કાંગપોકલી અને તેંગનોપાલ જિલ્લામાં કર્ફ્યુ લાદી દેવામાં આવ્યો હતો.
મેઈતી સમુદાયના લોકોની આ છે માગ!
મળતી માહિતી અનુસાર ચુરાચંદપુરના અનેક વિસ્તારોમાં ખાલી રસ્તાઓ પર ટાયર અને અન્ય વસ્તુઓને સળગાવી દીધી હતી. મણિપુરના ગૃહવિભાગે આ અંગેની જાણકારી આપી હતી. હિંસા વધતા આ મામલો શાંત કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. હિંસાને શાંત કરવા પોલીસે હવામાં ગોળીબારી કરી હતી તે ઉપરાંત ટીયર ગેસ પણ છોડ્યો હતો. મેઈતી સમુદાય મણિપુરની ઘાટીમાં રહે છે. રાજ્યની જમીન એરિયા લગભગ 10 ટકા છે. પરંતુ તેમની જનસંખ્યા 53 ટકા છે. કાયદાને કારણે પહાડી વિસ્તારોમાં તે લોકો રહી શકતા નથી. ત્યારે તેમની માગ છે કે તેમને એસટી શ્રેણીમાં તેમના સમુદાયને સામેલ કરવામાં આવે. ATSUMએ 'આવો હવે આપણે સાથે મળીને વિચાર કરીએ'ના બેનર હેઠળ વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિરોધ કરી રહેલા સંગઠનનું કહેવું હતું કે 'મેઈતીને એસએસસી,ઓબીસી અને એબીસી રિઝર્વેશનનો લાભ મેળવે છે.' 'મેઈટીઓ આદિવાસી નથી, તેઓ SC,OBC અને બ્રાહ્મણ છે', 'જો મેઈટીઓ ST બની જાય તો અમારી જમીનને રક્ષણ નહીં મળે'.
મેઈતી સમુદાયનો STમાં સમાવેશ કરવા હાઈકોર્ટે કર્યો હતો નિર્દેશ!
ભારતના બંધારણની અનુસૂચિત જનજાતિ સૂચિમાં મેઇતી સમુદાયના સમાવેશ માટે ભલામણ કરવા 19 એપ્રિલના રોજ HCએ નિર્દેશને કર્યો હતો. હાઈકોર્ટના નિર્દેશનો રાજ્યના આદિવાસી જૂથોએ સખત વિરોધ વ્યક્ત કર્યો હતો. જ્યારે રાજ્યની સર્વોચ્ચ આદિવાસી સંસ્થા ATSUM એ આ નિર્દેશ સામે વિરોધની જાહેરાત કરી હતી. જે બાદ રેલી કાઢવામાં આવી હતી. કોર્ટના નિર્ણયને કારણે મેઈતી સમુદાયના લોકો અને પહાડી વિસ્તારના લોકો વચ્ચે જંગ શરૂ થઈ ગઈ. મણીપુર હાઈકોર્ટે રાજ્ય સરકારને મેઈતી સમાજની માગ પર વિચાર કરવા માટે અને કેન્દ્ર સરકારને ભલામણો મોકલવાનો આદેશ આપ્યો છે.
હિંસા પર કાબુ મેળવવા સેનાને કરાઈ તૈનાત!
મેઈતી લોકોની માગનો વિરોધ કરવા વિદ્યાર્થી સંગઠન ATSUMએ ત્રણ મેના રોજ એક રેલી કાઢી હતી. રેલીનું આયોજન ચુરચાંદપુર જિલ્લાના તોરબંગ વિસ્તારથી કરવામાં આવ્યું હતું. આ રેલીમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. રેલી દરમિયાન આદિવાસી તેમજ ગેરઆદિવાસી લોકો વચ્ચે હિંસા શરૂ થઈ હતી. હિંસાએ ઉગ્ર રૂપ ધારણ કરી લીધું હતું. ત્યારે હિંસા કરી રહેલા લોકોને વેર વિખેર કરવા પોલીસે આસુ ગેસ છોડ્યા હતા. હિંસા ના ખતમ થઈ ત્યારે પરિસ્થિતિ પર કાબુ મેળવવા સેનાને પણ ત્યાં તૈનાત કરવામા આવી છે. પરિસ્થિતિ પર કાબુ મેળવવા સેનાએ ફ્લેગ માર્ચ પણ કર્યું હતું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આ મામલે નજર રાખી રહ્યા છે. મુખ્યમંત્રી સાથે વાત કરી ત્યાંની પરિસ્થિતિ અંગે જાણકારી મેળવી હતી.
ઈન્ટરનેટ સેવા પર મૂકાયો પ્રતિબંધ!
28 એપ્રિલે મુખ્યમંત્રીનો કાર્યક્રમ થવાનો હતો. પરંતુ તેમના કાર્યક્રમ પહેલા ત્યાં તોડફોડ કરવામાં આવી હતી. આ ઘટના મણિપુરના ચુરાચાંદપુર જિલ્લાની છે. હિંસા વધારે વધતા ધારા 144 લાગુ કરવામાં આવી હતી ઉપરાંત ઈન્ટરનેટ સેવા પણ બંધ કરવામાં આવી છે. મણીપુરમાં હિંસા સતત વધતી જઈ રહી છે. મળતી માહિતી અનુસાર હિંસા વધતા ઈંફાલ પશ્ચિમ, કાકચિંગ, થૌબલ, જિરિબામ, બિષ્ણુપુર, ચુરાચાંદપુર, કાંગપોકલી અને તેંગનોપાલ જિલ્લામાં કર્ફ્યુ લાદી દેવામાં આવ્યો છે.
મૈરી કોમે પીએમ મોદી પાસે માગી મદદ!
તે સિવાય હિંસાને લઈને મૈરી કોમએ પીએમ મોદી પાસે મદદ માંગી છે. મૈરી કોમે ટ્વિટ કર્યું કે મારૂ રાજ્ય બળી રહ્યું છે. કૃપ્યા મદદ કરો. હિંસાના ફોટો શેર કરી તેમણે પીએમ મોદી, રાજનાથસિંહ, અમિત શાહ તેમજ પ્રધાનમંત્રી કાર્યાલયને પણ ટેગ કર્યા હતા.