મણિપુરમાં ભડકેલી હિંસા શાંત થવાનું નામ નથી લઈ રહી. અનેક મહિનાઓથી મણિપુર બળી રહ્યું છે. કુકી તેમજ મૈતેઈ સમુદાયો વચ્ચે શરૂ થયેલી હિંસા હજી પણ યથાવત જોવા મળી રહી છે. ત્યારે મણિપુરમાં શાંતિ સ્થપાય તે માટે સુરક્ષાબળોને ત્યાં તૈનાત કરી દેવામાં આવી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ સર્વપક્ષીય બેઠક બોલાવી હતી. ત્યારે પોલીસે રવિવારે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું અને તે દરમિયાન 12 બંકરો તોડી પાડવામાં આવ્યા હતા. સુરક્ષાબળોએ ઉગ્રવાદી વિરૂદ્ધ મોટી કાર્યવાહી કરી છે.
12 બંકરોને કરાયા નષ્ટ
છેલ્લા ઘણા દિવસોથી મણિપુરમાં અશાંત વાતાવરણ ફેલાઈ રહ્યું છે. મણિપુરમાં ભડકેલી હિંસાને કારણે અંદાજીત 100થી વધારે લોકોના મોત થયા છે. વાતાવરણને શાંત કરવા તેમજ ભડકેલી હિંસાને શાંત કરવા સુરક્ષા બળોને તૈનાત કરી દેવામાં આવી છે. પરંતુ તે બાદ પણ અનેક વખત ફાયરિંગની ઘટના બની છે. અમિત શાહે પણ મણિપુરની મુલાકાત લીધી હતી તે ઉપરાંત સર્વદળીય બેઠકનું આયોજન પણ કર્યું હતું. ત્યારે છેલ્લા 24 કલાકમાં સુરક્ષાબળોએ ઉગ્રવાદીઓ વિરૂદ્ધ મોટી કાર્યવાહી કરી છે. કાર્યવાહી દરમિયાન 12 બંકરો તોડી પાડવામાં આવ્યા હતા. ઉપરાંત એવા પણ સમાચાર સામે આવ્યા છે કે પીએમ મોદી પણ મણિપુરને લઈ બેઠક કરી છે.